નવા ઈરાની-પ્રમુખ રાઈસીથી દુનિયા ચેતેઃ ઈઝરાયલી-PM બેનેટ

યેરુસલેમઃ ઈઝરાયલના નવા વડા પ્રધાન બનેલા નેફ્તાલી બેનેટે આજે કહ્યું કે, ‘ઈરાનના નવા પ્રમુખ તરીકે જેમની ચૂંટણી થઈ છે તેમનાથી દુનિયાના દેશોએ ‘જાગી જવાની’ જરૂર છે. ‘નિર્દયી જલ્લાદોના વડા’ ઈબ્રાહિમ રાઈસીની સરકારને સામુહિક વિનાશના શસ્ત્રો ફરીથી ક્યારેય બનાવવા દેવા ન જોઈએ.’

સીધું મોંફાટ બોલતાં બેનેટે એમની કેબિનેટની બેઠકમાં કહ્યું હતું કે, ‘ખામેની પાસે પસંદગી કરવા માટે ઘણા લોકો હતા, પણ એમણે તેહરાનના જલ્લાદને પસંદ કર્યા. આ એ જ માણસ છે જે ઈરાની લોકોમાં અને દુનિયાભરમાં જલ્લાદોની ટોળકીઓની આગેવાની લેવા માટે બદનામ થયેલો છે, જે ટોળકીઓએ આટલા વર્ષોમાં હજારો નિર્દોષ ઈરાની નાગરિકોની કતલ કરી છે. રાઈસીની ચૂંટણી વિશે હું એટલું કહીશ કે દુનિયાના સત્તાધીશો માટે જાગી જવાની આ છેલ્લી તક છે. નહીં તો અણુ સ્પર્ધા ફરી શરૂ થશે. સત્તાધીશોએ સમજવું પડશે કે તેઓ કોની સાથે કામ કરી રહ્યા છે.’