ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાર-દિવસના યુદ્ધવિરામનો આજથી આરંભ

તેલઅવીવઃ ઈઝરાયલ અને ગાઝા સ્ટ્રીપ પર અંકુશ ધરાવનાર હમાસ ઉગ્રવાદી જૂથ વચ્ચે ચાર-દિવસના યુદ્ધવિરામનો આજે સવારથી આરંભ કરવામાં કરાશે. બંને વચ્ચે ગઈ 7 ઓક્ટોબરથી યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધવિરામ માટે બંને પક્ષે એક સમજૂતી પર સહમતી સાધી છે. તે અનુસાર, હમાસ ઉગ્રવાદીઓ ગાઝા સિટીમાં બંધક બનાવેલા 150 ઈઝરાયલી નાગરિકોમાંથી પહેલા બેચમાં 13 મહિલાઓ અને બાળકોને આજે છૂટા કરશે. હમાસ ઉગ્રવાદીઓએ આ 13 જણનું ગયા મહિને ઈઝરાયલમાંથી અપહરણ કર્યું હતું. ચાર દિવસના યુદ્ધવિરામ દરમિયાન હમાસ કુલ 50 બંધકોને મુક્ત કરશે. બીજી બાજુ, ઈઝરાયલ તેની જેલોમાં પૂરેલા 150 પેલેસ્ટીનિયન લોકોને છોડશે.

કતર દેશના વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, યુદ્ધવિરામ સ્થાનિક સમય મુજબ આજે સવારે 7 વાગ્યાથી (ભારતીય સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી) અમલમાં આવશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધને કારણે બંને પક્ષે નિર્દોષ નાગરિકોની મોટા પાયે જાનહાનિ થઈ છે.