ઈઝરાયેલના નિયંત્રણવાળો એ વિસ્તાર ટ્રમ્પ હાઈટ્સના નામથી ઓળખાશે: નેતન્યાહૂ

ઈઝરાયલના કબજા હેઠળના ગોલન હાઈટ્સ વિસ્તારનું નામ બદલીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવામાં આવ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયલના નિયંત્રણ હેઠળના ગોલન હાઈટ્સનું નામકરણ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર કરવાની જાહેરાત કરી છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએના નેતૃત્વમાં રવિવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં ટ્રમ્પના નામ પર નવા વિસ્તારનું નામ રાખવાની જાહેરાત કરવામાં આવી. મંત્રીમંડળની બેઠકમાં કહેવમાં આવ્યું કે, ધ ગોલન હાઈટ્સને હવે ટ્રમ્પ હાઈટ્સના નામે ઓળખાશે. નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિને ઈઝરાયલના સારા મિત્ર ગણાવતા કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે.

વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્વીટ કરીને ઐતિહાસિક દિવસ ગણાવ્યો તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સમ્માન આપવા બદલ ઈઝરાયલાના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવ્યાં. મહત્વનું છે કે, નેતન્યાહૂએ એપ્રિલમાં જાણકારી આપી હતી કે, ગોલન હાઈટ્સને ટૂંક સમયમાં જ નવું નામ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 1967માં સીરિયા સાથે યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે ગોલન હાઇટ્સ વિસ્તારને પોતાના કબજામાં લીધો હતો. એ વખતથી બંને દેશો વચ્ચે સંબંધિત વિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો.ઇઝરાયલે 1981માં આ વિસ્તાર પર પોતાનો દાવો કરતા ગોલન હાઇટ્સ પર પોતાનો કાયદો અને વહીવટી તંત્ર લાગુ કરી દીધાં હતાં. સંયુક્ત રાષ્ટ્ર ગોલન હાઈટ્સ વિસ્તાર પર ઈઝરાયલના કબ્જાને માન્યતા નથી આપતું અને આ વિસ્તાર સીરિયાને પરત આપી દેવા કહી રહ્યું છે. બીજી બાજુ, સીરિયા આ વિસ્તારને પરત મેળવવા સતત પ્રયાસ કરી રહ્યું છે.