જકાર્તામાં ઈન્ડોનેશિયા શેરબજારના મકાનનો માળ ધસી પડ્યો, ૭૦ જણ ઘાયલ

જકાર્તા – શહેરના મધ્ય ભાગમાં આવેલા ઈન્ડોનેશિયા સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગનો ટ્રેડિંગ પ્રવૃત્તિઓ માટેનો માળ આજે તૂટી પડતાં ઓછામાં ઓછા ૭૦ જણ ઘાયલ થયા છે.

ટ્રેડિંગ માટેનું પહેલું સત્ર પૂરું થયાની અમુક જ મિનિટો બાદ ટાવર-2 માળ તૂટી પડ્યો હતો. એ મેઝનીન ભાગ હતો અને તે ભોંયતળિયે પડ્યો હતો.

કોઈ બોમ્બ વિસ્ફોટને કારણે માળ તૂટી પડ્યો હોવાની શક્યતાને પોલીસે નકારી કાઢી છે.

માળ તૂટી પડ્યા બાદ ઈમારતમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે તરત જ સંકુલને કોર્ડન કરી લીધું હતું.

ઈજા પામેલાઓમાં મોટા ભાગનાં યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતાં જેઓ મેઝનીન ફ્લોર તૂટી પડ્યો ત્યારે ત્યાં જ હતાં.

20 વર્ષીય વિદ્યાર્થિની અલ્ફિતાએ કહ્યું કે જોરદાર ગડગડાટ થયો હતો, પરંતુ એ કોઈ વિસ્ફોટ નહોતો. એવું લાગ્યું હતું કે કંઈક નીચે પડી રહ્યું છે. અચાનક અમે જ્યાં ઊભાં હતાં એ માળ નીચે પડ્યો હતો. અલ્ફિતાને કોઈ મોટી ઈજા થઈ નથી. શરીર પર અમુક ઘસરકા થયા છે.

માળ તૂટી પડવાનું સીસીટીવી ફુટેજ પણ સોશિયલ મિડિયા પર વાયરલ થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]