ઈન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીથી તબાહી, અત્યાર સુધીમાં 384 લોકોના થયાં મોત

નવી દિલ્હી- ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં ગઈકાલે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ આંચકાની તીવ્રતા 7.5 રિકટર સ્કેલ નોંધવામાં આવી હતી. ભૂકંપ બાદ આવેલી સુનામીને પગલે અત્યાર સુધીમાં અધિકારીઓએ 384 લોકોના મોત નીપજ્યાં હોવાની પુષ્ટિ કરી છે.

ડિઝાસ્ટર એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, મધ્ય પ્રાંત વિસ્તારમાં ડોંગલા જિલ્લામાં તલિસાની નજીક 6.0, 7.4 અને 6.1 ની તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા બાદ આવેલી સુનામીને પગલે 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. બીબીસીના રિપોર્ટ અનુસાર સુલાવેસી દ્વિપના પાલૂ શહેરમાં સુનામીને પગલે દરિયાના મોજા 2 મીટર ઊંચા ઉછળ્યા હતાં. એજન્સીએ ભૂકંપ-સુનામીની આ ઘટના બાદ પહેલી વાર મૃતકોના આંકડા જાહેર કર્યા છે.

તમામ પીડિતોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, અને હજું પણ મૃતકોની સંખ્યા અને નુકસાનમાં વધારો થવાની આશંકા છે. પાલૂ શહેરમાં 3 લાખથી વધુ લોકો રહે છે. પાલૂ શહેરમાં રાહત અને બચાવ કામગીરી માટે હરક્યુલસ વિમાનને તૈનાત કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ભૂકંપના કારણે ઘણી બધી બિલ્ડીંગ ધરાશયી થઇ છે, જ્યારે સુનામીએ લોકોની પરેશાનીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વિડિયોમાં લોકો ચીસો પાડતા અને આમતેમ ભાગતા નજરે પડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]