લંડનઃ બ્રિટનમાં કેફી પદાર્થોના સપ્લાઈ ધંધામાં સગીર વયનાં બાળકોનો ઉપયોગ કરવા બદલ 28 વર્ષની ભારતીય-મૂળની એક મહિલા સહિત છ જણને જેલની સજા ફટકારવામાં આવી છે. આ મહિલાનું નામ છે સરીના દુગ્ગલ. એને સાત વર્ષની જેલની સજા કરાઈ છે. તે લંડન, બર્મિંઘમ તેમજ બોર્નમાઉથ શહેરોમાં ડ્રગ્સની સપ્લાઈની ગેરપ્રવૃત્તિઓ કરતી એક ટોળકીની સભ્ય હતી. બોર્નમાઉથની કોર્ટે સાત-અઠવાડિયા સુધી ચલાવેલી કાર્યવાહી બાદ આ છ જણને જેલની સજા સંભળાવી છે. આ તમામને બધું મળીને કુલ 39 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ટોળકી પકડાઈ જતાં અને તેના સભ્યોને જેલની સજા કરાતાં કોકેન અને હેરોઈન જેવી ડ્રગ્સ સપ્લાઈનો ધંધો બંધ થઈ ગયો છે. આ ટોળકીનાં સભ્યો બોર્નમાઉથની શેરીઓમાં કોકેન અને હેરોઈન સપ્લાઈ કરતા હતા. એને કારણે સ્થાનિક લોકો બહુ પરેશાન થઈ ગયા હતા.
આ ટોળકીને પકડવાની કામગીરી મેટ્રોપોલિટન પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ વિભાગની ટીમના સભ્યોએ હાથ ધરી હતી.
ગયા વર્ષના જુલાઈમાં 16 વર્ષનો એક છોકરો કોકેન અને હેરોઈન ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડાયા બાદ પોલીસે મોટા પાયે તપાસ આદરી હતી. તે છોકરાના મોબાઈલ ફોનમાંથી ટોળકીના સભ્યોની જાણકારી મળી હતી. ટોળકી સગીર વયના અન્ય બાળકોનો પણ ડ્રગ્સ સપ્લાઈના ધંધામાં ઉપયોગ કરતી હતી.
સગીર વયનાં બાળકો સામે અદાલતી કાર્યવાહી ચલાવવામાં આવી નથી અને તેને બદલે એમના કેસ સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ હસ્તકના બાળ સેવા વિભાગોને સુપરત કરવામાં આવ્યા છે.