આગામી એક મહિનામાં ભારતીય કંપનીને ચાબહાર પોર્ટ સોંપશે ઈરાન

તહેરાન- ઈરાન આગામી એક મહિનાની અંદર તેનું ચાબહાર પોર્ટ ભારતીય કંપનીને સોંપશે. ઈરાનના માર્ગ અને શહેરી વિકાસ પ્રધાન અબ્બાસ અખોંદીએ આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કરારના ભાગ રુપે ચાલુ મહિનાના અંત સુધીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવું ચાબહાર પોર્ટ ભારતીય કંપનીને સોંપવામાં આવશે.ઈરાનના માર્ગ અને શહેરી વિકાસ પ્રધાન અબ્બાસ અખોંદી નીતિ આયોગ દ્વારા આયોજીત ‘મોબિલીટી સમિટ’ માં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ‘વચગાળાના કરાર મુજબ હવે અમે ચાબહાર પોર્ટને સંચાલન માટે ભારતીય કંપનીને સોંપવા માટે તૈયાર છીએ’.

આપને જણાવી દઈએ કે, ભારતના પશ્ચિમ તટેથી ઈરાનના ચાબહાર પોર્ટ સુધી સરળતાથી પહોંચી શકાય તેમ છે. ઈરાનના ચાબહાર પોર્ટને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ચીને ડેવલપમેન્ટના નામે પોતાના તાબામાં રાખ્યું છે, જેથી વ્યૂહાત્મક રીતે ભારતને ઘેરી શકાય.

ઈરાનનું ચાબહાર પોર્ટ પાકિસ્તાનના ચીન દ્વારા સંચાલિત ગ્વાદર પોર્ટથી આશરે 100 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. ચાબહાર પોર્ટમાં ભારતીય કંપનીઓ લગભગ 8.52 કરોડ ડોલરથી વધુનું રોકાણ કરશે. જેમાં ભારતની બેન્ક વધુ 15 કરોડ ડોલર જેટલી લોનની સહાયતા ઉપલબ્ધ કરાવશે.