ચીનને પાછળ રાખી દઈ સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો ભારત

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ ભારત નંબર-1 દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના પોપ્યૂલેશન અહેવાલ અનુસાર, ભારતની વસ્તીનો આંક હવે 142.86 કરોડ (એક અબજ, 42 કરોડ, 86 લાખ) થઈ ગયો છે. આ મામલે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. ચીન 142.57 કરોડ આંક સાથે બીજા નંબરે છે.

ભારતની કુલ વસ્તીમાં, 25 ટકા હિસ્સો 0-14 વર્ષનાં વયજૂથનો છે. 18 ટકા હિસ્સો 10-19 વર્ષના વયજૂથનો છે. 26 ટકા હિસ્સો 10-24 વર્ષના વયજૂથનો, 68 ટકા હિસ્સો 15-64 વર્ષનાં વયજૂથનો અને સાત ટકા હિસ્સો 65 વર્ષથી વધુની વયનાં લોકોનો છે.

ભારતની વસ્તી છેલ્લા ત્રણ દાયકાથી સતત વધી રહી છે. કેરળ અને પંજાબ રાજ્યોમાં મોટી ઉંમરના લોકો વધારે છે જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં યુવાન લોકોની વસ્તી વધારે છે.