દુનિયામાં આતંકી હુમલો ક્યાંય પણ થાય, કેમ એના તાર તો પાકિસ્તાન સાથે જ જોડાયેલા હોય?

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા અને નાગરિકતા સંશોધન બિલનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેને લઈને ભારતે પાકિસ્તાન પર જબરદસ્ત પલટવાર કર્યો છે. આતંકવાદને લઈને પાકિસ્તાન પર પ્રહાર કરતા ભારતે કહ્યું કે, દુનિયામાં કોઈપણ મોટા આતંકી હુમલાનો તાર તેની સાથે જોડાય છે કે જ્યાં નિર્દોષોના જીવ લેવા માટે આતંકવાદીઓને ટ્રેનિંગ અને સુરક્ષિત સ્થાન આપવામાં આવે છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાનમાંથી જન્મ લેતો આતંકવાદ વૈશ્વિક શાંતિને અસ્થિર કરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારત તરફથી પરમેનેન્ટ મિશનમાં ફર્સ્ટ સેક્રેટરી પાલોમી ત્રિપાઠીએ ગુરુવારના રોજ મહાસભામાં શાંતિની સંસ્કૃતિ પર ચર્ચા દરમિયાન કહ્યું કે, સહયોગની ભાવના જ શાંતિની સંસ્કૃતિનો સાર છે. આ એજન્ડાનો દુરુપયોગ અને રાજનૈતિક દુષ્પ્રચાર માટે આના મહત્વને ઓછું ન કરવું જોઈએ.

ત્રિપાઠી પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમના એ નિવેદન પર જવાબ આપી રહ્યા હતા કે જેમાં અકરમે જમ્મૂ અને કાશ્મીર, આર્ટિકલ 370, નાગરિકતા સંશોધન બિલ, એનઆરસી અને અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સહિતના ભારતના મામલાઓ ઉઠાવ્યા હતા.

ત્રિપાઠીએ પાકિસ્તાન પર હુમલો કરતા તેના પર રાજનૈતિક ફાયદો ઉઠાવવા માટે ખોટા નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, હકીકતમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદની દરેક મોટી ઘટનાના તાર આ દેશ સાથે જોડાય છે. નિર્દોષ લોકોના જીવ લેવા માટે આમના ત્યાં આતંકવાદીઓને સુરક્ષિત જગ્યામાં તૈયાર કરવામાં આવે છે. અને યુવાનોને પુસ્તકોની જગ્યાએ ગન આપી દેવામાં આવે છે. મહિલાઓ પર અત્યાચાર હોય છે તો અલ્પ સંખ્યકોને ત્રાસ આપવામાં આવે છે.