મોસ્કો- એક સમયે ભારતના વિશેષ મિત્ર તરીકે જાણીતું રશિયા હવે ચીન અને પાકિસ્તાન સાથે નિકટતા વધારી રહ્યું છે. જાણકારોનું માનીએ તો, આગામી કેટલાંક વર્ષો ભારત અને રશિયાની મિત્રતા માટે પરીક્ષાના વર્ષો સાબિત થશે. આખરે એવું તો શું થયું કે, રશિયા હવે ભારત સાથેનું રાજકીય અંતર વધારી રહ્યું છે.રશિયામાં હાલમાં જ યોજાયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પુતિન ફરીથી છ વર્ષ માટે રશિયાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બીજી તરફ ચીનમાં પણ શી જિનપિંગના આજીવન પ્રેસિડેન્ટ બની રહેવાનો કાયદો પસાર કરી દેવામાં આવ્યો છે. આ રીતે બે મોટા દેશોમાં સત્તા માટેનો એક સમાન કાયદો અમલમાં આવ્યા બાદ સત્તાનું વધુ મજબૂત થવું સ્વાભાવિક છે. જોકે આ ઘટના વિશ્વની ઉદાર વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે.
બદલાઈ રહી છે બન્ને દેશોની નીતિઓ
ભારત અને રશિયા લાંબા સમયથી મિત્ર દેશ રહ્યાં છે. ઐતિહાસિક તથ્યો જોઈએ તો, રશિયાએ હંમેશા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો સહયોગ કર્યો છે અને કશ્મીર મુદ્દે પણ વીટોનો ઉપયોગ કરીને ભારતનું સમર્થન કર્યું છે. જોકે હવે દક્ષિણ એશિયામાં રશિયાની પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે.
રશિયાને અમેરિકા અને યૂરોપિય દેશો સાથે તકલીફ છે, તો ભારત માટે ચિંતાનું કારણ એ છે કે, ચીનની નકારાત્મક પ્રતિક્રિયા સાથે કેવી રીતે વ્યવહાર કરવો? દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરમાં પરંપરાગત રીતે જ ભારતનું પ્રભુત્વ રહ્યું છે, જેમાં હવે ચીન દખલ કરી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે સત્તા સંતુલન જોખમાતા હવે તેની અસર સરહદ ઉપર પણ જોવા મળી છે.
બીજી તરફ ચીન અને પાકિસ્તાનના ગઠબંધનનો અર્થ એ થયો કે, હવે ભારતે એક સાથે બે મોરચે સતર્ક રહેવું પડશે. ભારત અને રશિયાની મિત્રતા મોટાભાગે ડિફેન્સ ડીલ સુધી મર્યાદીત રહી છે. હવે પશ્ચિમી દેશોથી રશિયાને મળી રહેલા પડકારને કારણે ચીન સાથે રશિયા નિકટતા વધારી રહ્યું છે. જેથી ભારત માટે મજબૂરી એ છે કે, પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધી રહેલા પ્રભાવને રોકવા ભારતે વૈકલ્પિક મંચ તૈયાર કરવો પડશે અને નવો સશક્ત મિત્ર બનાવવો પડશે.