લાહોર હાઈકોર્ટે આતંકી હાફિઝના જમાત-ઉદ-દાવાને ગણાવ્યું ‘પરોપકારી સંગઠન’

ઈસ્લામાબાદ- મુંબઈ આતંકી હુમલાનો મુખ્ય સુત્રધાર અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના પક્ષમાં પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. અને પાકિસ્તાન પ્રશાશનને નોટિસ ઈશ્યૂ કરી છે. લાહોર હાઈકોર્ટે આતંકી હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવાની પ્રવૃત્તિઓને પરોપકારી ગણાવી છે અને તેમાં અવરોધ ઉભો કરવા માટે પાકિસ્તાન સરકારને નોટિસ ઈશ્યૂ કરી છે.લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશ અમીનુદ્દીન ખાને હાફિઝ સઈદની અરજી પર સુનાવણી કરતા પાકિસ્તાન સરકારને નોટિસ ઈશ્યૂ કરી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે હાફિઝનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, ‘જમાત-ઉદ-દાવાએ હંમેશા પોરપકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. પરંતુ પાકિસ્તાન સરકાર ભારત અને અમેરિકાના દબાણમાં આવીને જમાત-ઉદ-દાવાની પ્રવૃત્તિઓમાં અવરોધ ઉભો કરી રહી છે.

આપને જણાવી દઈએ કે, ગત એક જાન્યુઆરીના રોજ પાકિસ્તાનના સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા (JuD) સહિત અન્ય કેટલાક સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉપરાંત તે સંગઠનોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ સંગઠનોને મળનારા વિદેશી ફંડ ઉપર પણ રોક લગાવવામાં આવી હતી.