S-400 ડીફેન્સ મિસાઈલ અંગે રશિયા સાથે જલદી થશે ડીલ, મારક ક્ષમતા વધશે

મોસ્કો- ભારત અને રશિયા વચ્ચે S-400 ડીફેન્સ મિસાઈલ સિસ્ટમની ડીલને જલદી જ આખરી ઓપ આપવામાં આવી શકે છે. જેને લઈને બન્ને દેશ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યાં છે. ભારતની સેનામાં S-400 ડીફેન્સ મિસાઈલ સિસ્ટમ સામેલ થયા બાદ ભારતની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થશે.

રશિયન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ સ્થાનિક સમાચાર એજન્સીને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, બન્ને દેશો વચ્ચે હવાઈ રક્ષાપ્રણાલીની ડીલ અંગે ચર્ચા ચાલી રહી છે કે, ભારત રશિયા પાસેથી કેટલી સંખ્યામાં S-400 ડીફેન્સ મિસાઈલ ખરીદશે.

મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપતા રશિયાના અધિકારીએ જણાવ્યું કે, ‘ડીલ ક્યારે નક્કી થશે એ અંગે હું ચોક્કસ સમય તો ન કહી શકું, પણ દસ્તાવેજ અંગે પ્રક્રિયા ચાલી રહી છે. એ જેટલી જલદી પુરી કરવામાં આવશે તેટલા જલદી હસ્તાક્ષર કરવામાં આવશે. હાલમાં આ પ્રકિયા પર કામ ચાલી રહ્યું છે. જે ઘણું સંતોષકારક દિશામાં આગળ વધી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, ભારતે ગત વર્ષે 15 ઓક્ટોબરે રશિયા સાથે વાયુ રક્ષાપ્રણાલીને લઈને હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ ડીલની કીંમત 5 અબજ ડોલરથી પણ વધુ છે. આ ઉપરાંત ભારતે 4 યુદ્ધજહાજના નિર્માણ માટે પણ રશિયાનો સહયોગ માગ્યો છે.