સરહદ વિવાદ ઉકેલવા ભારત-ચીન કરશે ચર્ચા, ડોકલામ ગતિરોધ બાદ પ્રથમ પ્રયાસ

બિજીંગ- ભારત, ચીન અને રશિયા વચ્ચે ક્ષેત્રિય સુરક્ષા અને આર્થિક મુદ્દાઓને લઈને રાજધાની દિલ્હીમાં ચર્ચા યોજાઈ ગઈ. આ ચર્ચા દરમિયાન ત્રણેય દેશો પરસ્પર સહયોગ વધારવા અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર સહેમત થયા હતા. આ ઉપરાંત ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે પણ અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

રશિયા, ભારત, ચીન (RIC) વચ્ચે યોજાયેલી 15મી ત્રિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદ અંગે પણ ચર્ચા કરવામાં આવી. જે અંગે વધુ મંત્રણા આગામી 20-21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આ મંત્રણામાં બન્ને દેશો વચ્ચે સીમા, સુરક્ષા અને તણાવ ઘટાડવાને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં બન્ને દેશોના ઉચ્ચ સ્તરના પ્રતિનિધિઓ હાજરી આપશે. નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં NSA અજિત ડોભાલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને તેમના ચીની સમકક્ષ સાથે ચર્ચા કરશે.

જાણવા મળી રહ્યું છે કે, આ ચર્ચામાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદના વિવાદનું સમાધાન લાવવા કોઈ નક્કર પગલા લેવામાં આવી શકે છે. RIC મિટિંગ દરમિયાન બન્ને દેશોના વિદેશપ્રધાનોએ આ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં સકારાત્મક દિશામાં નિર્ણય લેવા સહમતિ સધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ડોકલામ સરહદે બે મહિનાથી પણ વધુ સમચ સુધી ભારત અને ચીનની સેનાઓ આમને સામને રહ્યા બાદ ગતિરોધ સમાપ્ત કરવામાં સફળતા મળી હતી અને સ્થિતિ પહેલાની જેમ જાળવવા ભારત અને ચીને સહમતિ દર્શાવી છે.

જોકે, સિક્કીમ-ભૂટાન-તિબેટના ટ્રાઈ જંક્શન ઉપર ચીની સેના તરફથી ફરી એકવાર પગપેસારો કરવામાં આવ્યો હોવાના અને નિર્માણકાર્ય શરુ કર્યું હોવાના સમાચાર મળી રહ્યાં છે. મીડિયા અહેવાલ મુજબ આ વિસ્તારમાં ચીની સેનાએ તંબૂ લગાવ્યા છે અને રસ્તાનું નિર્માણકાર્ય પણ શરુ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે, આ સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે યોજાનારી બેઠકમાં સરહદનો મુદ્દો ઉકેલવામાં કેટલી સફળતા મળશે.