અમેરિકન પ્રતિબંધ છતાં રશિયા સાથે ‘એસ-400 મિસાઈલ’ સોદાની પ્રક્રિયા આગળ વધારશે ભારત

નવી દિલ્હી- રશિયા પર અમેરિકાના પ્રતિબંધ છતાં ભારતે રશિયા સાથે સહકાર ચાલુ રાખવાની પોતાની ઈચ્છા સ્પષ્ટ રીતે જાહેર કરી છે. આ અંગે રક્ષાપ્રધાન નિર્મલા સીતારામણે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં સમયની કસોટી પર ખરા ઉતરેલા ભારત અને રશિયાનો સહયોગ આગળ વધશે. ભારત રશિયા સાથે વાયુ સેનાને મજબૂત કરવા એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ડીલ પર કરવાનું ચાલુ રાખશે.રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘અમેરિકા સાથેની વાતચીતમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત અને રશિયા વચ્ચેનો રક્ષા સહયોગ લાંબા સમયથી ચાલ્યો આવ્યો છે અને તે સમયની કસોટી પર ખરો ઉતરેલો બન્ને દેશ વચ્ચેનો જૂનો સંબંધ છે. વધુમાં રક્ષાપ્રધાને કહ્યું કે, CAATSAની અસર ભારત-રશિયા રક્ષા સહયોગ પર પડી શકે નહીં’.

આપને જણાવી દઈએ કે, ભારત રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માગે છે. ભારત ઈચ્છે છે કે, રશિયા સાથેની તેની ડિફેન્સ ડીલને અને સંરક્ષણ ક્ષેત્રના સંબંધોને અમેરિકાના CAATSA કાયદામાંથી છૂટ આપવામાં આવે.

મળતી માહિતી મુજબ આગામી મહિને વોશિંગ્ટનમાં અમેરિકન અધિકારીઓ સાથેની બેઠકમાં ભારત આ મુદ્દો ઉઠાવી શકે છે. ભારતના રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણે એમ પણ જણાવ્યું કે, રશિયા પાસેથી ભારત મોટા પ્રમાણમાં રક્ષા પ્રણાલીની ખરીદી કરતું રહ્યું છે અને બન્ને દેશો વચ્ચે આ સહયોગ ચાલુ રહેશે.