પાકિસ્તાન નાણાં મંત્રાલયનો અહેવાલ: IMFની મદદ વગર સ્થિતિ નહીં સુધરે

ઈસ્લામાબાદ- પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. હવે પાકિસ્તાનના નાણાં મંત્રાલયે દેશના કાર્યવાહક વડાપ્રધાન નસીરુલ મુલ્કને દેશની સ્થિતિ અંગે આર્થિક રિપોર્ટ મોકલાવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, IMFની મદદ વગર (International Monetary Fund) પાકિસ્તાનની સ્થિતિ સુધરશે નહીં.પાકિસ્તાન નાણાં સચિવ આરીફ અહેમદ ખાને જણાવ્યું કે, અમે કાર્યવાહક વડાપ્રધાન પાસે પરવાનગી માગી છે. ત્યારબાદ આર્થિક મદદ માટે IMF સાથે વાત કરવામાં આવશે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય નવા નાણાંપ્રધાનની નિયુક્તિ પછી જ કરવામાં આવશે. નાણાં સચિવ આરીફ અહેમદ ખાને જણાવ્યું કે, પાકિસ્તાન પાસે હવે IMFની મદદ લીધા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. જોકે, મદદ કેવી રીતે લેવી અને ક્યારે લેવી તે અંગેનો નિર્ણય કાર્યવાહક વડાપ્રધાને લેવાનો છે.

મહત્વનું છે કે, હાલમાં જ આ સમાચાર સામે આવ્યા છે કે, પાકિસ્તાન દિવસે દિવસે આર્થિક બોજ નીચે દબાઈ રહ્યું છે. પાકિસ્તાનના પ્રમુખ સમાચાર પત્રના જણાવ્યા મુજબ ચુકવણીની કટોકટીના કારણે પાકિસ્તાન ચીન પાસેથી વધુ 1-2 અબજ ડોલરની (68થી 135 અબજ રૂપિયા) નવી લોન લેવા જઈ રહ્યું છે. આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, પાકિસ્તાન આર્થિક રીતે કેટલી હદે ચીન પર આધારિત છે.

સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ પાકિસ્તાન દ્વારા ચીન અને તેની વિવિધ બેન્કોમાંથી લેવામાં આવેલી લોન આશરે 5 અબજ ડોલર જેટલી થવા જાય છે. ચીન પર પાકિસ્તાની નિર્ભરતા એવા સમયમાં વધી રહી છે જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી નાણાંકીય સહાયમાં કાપ મુક્યો છે.

સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન પાસે હવે 10.3 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર બાકી રહ્યો છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 16.4 અબજ ડોલર હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]