ટ્રેન હાઈજેક માટે જવાબદાર ભારત!, પાકિસ્તાનનો પાયાવિહોણો દાવો

પાકિસ્તાનમાં મંગળવારે એક મોટી આતંકી ઘટનામાં બલૂચ વિદ્રોહીઓએ એક ટ્રેન હાઈજેક કરી હતી, જેમાં 500થી વધુ મુસાફરો સવાર હતા. ગોળીબારમાં અનેક મુસાફરો ઘવાયા, જ્યારે વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા. પરંતુ પાકિસ્તાની સૈનિકો, ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાને ભારત પર લગાવ્યા આક્ષેપ
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે આ હુમલાનો આરોપ ભારત પર મૂક્યો છે. તેમનો દાવો છે કે ભારત અફઘાનિસ્તાનમાંથી આ હુમલાઓ ઓપરેટ કરી રહ્યું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને BLA વચ્ચે કોઈ જોડાણ છે કે નહીં તે અંગે પૂછતાં પાકિસ્તાની સરકાર ભારતને જવાબદાર ઠેરવી રહી છે. સનાઉલ્લાહે દાવો કર્યો કે અફઘાનિસ્તાનમાં બેસીને ભારત આ પ્રકારના હુમલાઓ યોજી રહ્યું છે અને તે TTP અને BLAને સમર્થન આપી રહ્યું છે. પાકિસ્તાને અફઘાન સરકારને ચેતવણી આપી છે કે અફઘાન સરકાર તુરંત આ પ્રકારની ગતિવિધિઓ બંધ કરે, નહીં તો પાકિસ્તાન કાર્યવાહી હાથ ધરશે.