ન્યુ યોર્કઃ PM મોદીના નેતૃત્વની વિશ્ભરમાં પ્રશંસા થઈ રહી છે. ભારતનું કદ વિશ્વના માનસ પટલ પર અલગ ઓળખ બનાવી રહ્યું છે. વિશ્વમાં ભારતના વધતી ભૂમિકાની નોંધ લેવામાં આવી રહી છે. જેથી વર્ષ 2025-26 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના પંચના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. પંચમાં ભારતનો હાલનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ભારતને UN શાંતિ સ્થાપના આયોગના સભ્ય બનાવવાની જાહેરાત કરી છે. UN દ્વારા 2025-2026 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપન આયોગના સભ્ય તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે. પંચ દ્વારા ભારતનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને સોશિયલ મિડિયા મંચ X પર એક પોસ્ટ કરી કહ્યું છે કે વર્ષ 2025-2026 માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગ (PBC)ના સભ્ય તરીકે ભારતની ફરી પસંદગી કરવામાં આવી છે. ભારત સંસ્થાના સભ્ય તરીકે, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપનમાં બહોળું યોગદાન આપવા માટે, વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની દિશામાં કામ કરવા માટે પીબીસીમાં જોડાવવા માટે પ્રતિબદ્ધ છે.
પીસીબીમાં 31 સભ્ય દેશો છે. આ દેશોની પંસદગી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, સુરક્ષા પરિષદ અને આર્થિક તેમજ સામાજિક પરિષદ દ્વારા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય નાણાકીય યોગદાન આપનારા દેશ અને ટોચનું સૈન્ય સુરક્ષા પ્રદાન કરનાર દેશ પણ તેના સભ્યો છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં સૌથી વધુ વર્દીધારી કર્મચારીને તહેનાત કરી મોટું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના અભિયાનો હેઠળ વર્તમાન સમયમાં ભારતના લગભગ 6000 સૈન્ય અને પોલીસ કર્મચારીઓ અબેઇ, મધ્ય આફ્રિકન ગણરાજ્ય, સાયપ્રસ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લેબનોન, મધ્ય પૂર્વ, સોમાલિયા, દક્ષિણ સુદાન અને પશ્ચિમ સહારામાં તૈનાત છે. શાંતિ અભિયાન દરમિયાન લગભગ 180 ભારતીય સૈનિકોએ ફરજ નિભાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જે યોગદાન આપનાર અન્ય દેશોના મુકાબલે સૌથી વધુ સંખ્યા છે.