પહલગામ હુમલા બાદ ભારતને મળ્યો ઈઝરાયલનો ટેકો, જાણો શું કહ્યું

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ ઇઝરાયલ ભારતના સંપૂર્ણ સમર્થનમાં ઊભું રહ્યું છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે આ હુમલાની તુલના 7 ઑક્ટોબર, 2023ના ઇઝરાયલ પર હમાસના હુમલાની સાથે કરી હતી અને કહ્યું કે, “આ અત્યાચારની ભયાનકતા અમને અમારા પોતાના દુખદ અનુભવની યાદ અપાવે છે.” તેમણે જણાવ્યું કે હુમલો સ્પષ્ટ રીતે ધર્મના આધારે નિર્દોષ લોકોના નાશ માટે હતો અને આવા હુમલાઓ સામે વિશ્વના લોકશાહી દેશોએ એક થવું જરુરી છે.

અઝારેએ જણાવ્યું કે ઇઝરાયલ ભારતના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કરે છે અને આતંકવાદ સામેની લડતમાં ટેકનિકલ, ગુપ્તચર અને તકનીકી સહયોગ આપવા માટે તૈયાર છે. તેઓએ જણાવ્યું કે “ભારત જાણે છે કે તે શું કરવું, અને તેને આ પ્રકારના હુમલાનો જવાબ પોતાની રીતે આપવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.” ઇઝરાયલના દાવા મુજબ, આ પહલગામ ઘટના છેલ્લા બે દાયકાની સૌથી ઘાતક નાગરિક હત્યાઓમાંની એક છે.

અંતે અઝારેએ પાકિસ્તાનની તપાસની માંગને “ઢોંગ” ગણાવી. તેમણે કહ્યું કે, “જે દેશ આતંકીઓને આશરો આપે છે, તે પછી તપાસની વાત કરે તે દંભ છે.” તેમના મતે, હવે આતંકવાદ માત્ર સ્થાનિક નહિ, પણ વૈશ્વિક પડકાર બની ગયો છે, અને વિશ્વના દરેક વિચારશીલ રાષ્ટ્રોએ એકસાથે આવી બિભત્સતાનો નાશ કરવો જોઈએ.