‘2019માં પાકિસ્તાન ભારત પર અણુહુમલો કરવાનું હતું’

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓએ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે 2019ની 26 ફેબ્રુઆરીએ ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટ પર સર્જિકલ હુમલો કર્યા બાદ પાકિસ્તાન તેનો બદલો લેવા માટે ભારત પર અણુહુમલો કરવાની તૈયારીમાં હતું. પોમ્પીઓએ આવું એમના પુસ્તક ‘નેવર ગિવ એન ઈંચઃ ફાઈટિંગ ફોર ધ અમેરિકા’માં લખ્યું છે, જેનું ગઈ કાલે વિમોચન કરવામાં આવ્યું હતું.

2019માં જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાની ત્રાસવાદીએ કરેલા આત્મઘાતી બોમ્બ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા બાદ ભારતીય હવાઈ દળે પાકિસ્તાનની સીમામાં ઘૂસીને વ્યૂહાત્મક હુમલા રૂપે બાલાકોટ સેક્ટરમાં સક્રિય આતંકવાદીઓના અડ્ડાઓ પર બોમ્બ ઝીંક્યા હતા અને તે અડ્ડાઓનો નાશ કર્યો હતો. ભારતના તે આક્રમણમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોમ્પીઓએ એમના પુસ્તકમાં લખ્યું છે, ‘ભારતના તે વળતા હુમલા બાદ બંને દેશ વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળવાની ભીતી ઊભી થઈ હતી, પરંતુ અમેરિકાએ પરિસ્થિતિને બગડતી અટકાવી હતી. ભારત અને પાકિસ્તાન એ વખતે અણુયુદ્ધની કેટલા નજીક પહોંચી ગયા હતા એની દુનિયાના દેશોને ખબર નથી. પાકિસ્તાને અણુહુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી અને એની જાણ થયા બાદ ભારત પણ વળતો હુમલો કરવા સજ્જ બનવા વિચારતું હતું. ત્યારે અમે બંને દેશના અધિકારીઓને સમજાવ્યા હતા કે તેઓ એવું કંઈ ન કરે.’

માઈક પોમ્પીઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં વિદેશ પ્રધાન હતા અને તેઓ અમેરિકાની ગુપ્તચર તપાસ એજન્સી સીઆઈએના ભૂતપૂર્વ વડા પણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]