ભારત-ઇરાન સોદો થતાં અમેરિકાના પેટમાં થયું દર્દ

નવી દિલ્હીઃ ચાબહાર પોર્ટના સંચાલન માટે ભારત અને ઇરાનની વચ્ચે થયેલા કરારથી અમેરિકાના પેટમાં દર્દ થવા લાગ્યું છે. આ સોદા પછી USએ પ્રતિબંધો લગાવવાની ચેતવણી ઉચ્ચારી છે. અમેરિકાએ ભારતનું નામ તો નથી લીધું, પણ એનો ઇશારો સ્પષ્ટ છે.

ભારત અને ઇરાન વચ્ચે સોમવારે સમજૂતી થઈ છે. ભારતે ઇરાનનું ચાબહારમાં શાહિદ બેહેશતી પોર્ટ 10 વર્ષ માટે ભાડેપટ્ટે લીધું છે.  આ કરાર હેઠળ ભારત આગામી 10 વર્ષો સુધી આ પોર્ટનું મેનેજમેન્ટ અને એનો વિકાસ કરશે. આ સોદો થવાથી ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે નવો રૂટ મળી જશે. આવામાં ભારતને પાકિસ્તાનની જરૂર નહીં પડે. અત્યાર સુધી આ દેશોમાં જવાનો રસ્તો પાકિસ્તાનથી હતો. આ સોદાથી ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિ. (IPGL) ચાબહાર પોર્ટમાં 12 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે.

આ સોદાથી ભારતની કૂટનીતિની જીત થઈ છે. આ ઐતિહાસિક સોદા પર કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને ઇરાનના શહેરી વિકાસ મંત્રી મેહરદાદ બજરપાશે હસ્તાક્ષર કર્યા હતા. આ સોદાને પગલે અમેરિકાને ચૂક આવે, કેમ કે ઇરાન પર અમેરિકી પ્રતિબંધ આજે પણ કાયમ છે અને અમેરિકી પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈ પણ કંપની કે દેશ ઇરાન સાથે વેપાર કરવા માટે આગળ વધે છે તો ભવિષ્યમાં એના પર પ્રતિબંધ લગાવવાનું જોખમ છે.

ભારતે પાંચ લાખ કરોડના અર્થતંત્રનું જે સપનું જોયું છે, એ દિશામાં આગળવ વધવા માટે આ પોર્ટ ઘણું મહત્ત્વનું છે. આ પોર્ટથી ભારત ઇરાન, અફઘાનિસ્તાન, આર્મિનિયા, અજરબેજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપની સાથે વેપાર કરી શકે છે. ચાબહાર પોર્ટ ઓમાનની ખાડીથી જોડાયેલું છે. એ ઇરાનમાં સ્થિત પહેલું ડીપવોટર પોર્ટ છે. આ ઇરાનના સમુદ્રી રસ્તાથી બાકીના દેશોથી જોડે છે.