ભારત, ચીન 10 ડિસેમ્બરથી સંયુક્ત લશ્કરી કવાયત યોજશે

બીજિંગ – ભારત અને ચીનનાં સૈન્ય આવતી 10 ડિસેમ્બરથી 14-દિવસ સુધી સંયુક્ત લશ્કરી કવાયત યોજશે. આ કવાયત ચીનના ચેંગ્ડુ શહેરમાં યોજવામાં આવનાર છે.

બંને દેશ ત્રાસવાદ સામેની લડાઈમાં એમની ક્ષમતા વધારવા તેમજ પરસ્પર સમજૂતીને ઉત્તેજન આપવા માટે આ લશ્કરી કવાયત સાથે મળીને યોજવાના છે.

આ 7મી ઈન્ડિયા-ચાઈના જોઈન્ટ મિલિટરી એક્સરસાઈઝને ‘હેન્ડ ઈન હેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બંને દેશના 100-100 સૈનિકો આ કવાયતમાં ભાગ લેશે.

આ કવાયતની વિશેષતા ત્રાસવાદ-વિરોધી કામગીરીઓ રહેશે.

ઉલ્લેખનીય છે કે 2017માં ભારતના સરહદીય સિક્કીમ રાજ્યમાં આવેલા ડોકલામ મામલે ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી અને 73-દિવસ સુધી ચાલેલી મડાગાંઠને કારણે બંને દેશ વચ્ચેની લશ્કરી કવાયત ગયા વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી.

બાદમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે આ વર્ષના એપ્રિલમાં વુહાનમાં અનૌપચારિક શિખર મંત્રણા થયા બાદ બંને દેશ વચ્ચેના સંબંધ ફરી સુધરી ગયા છે.