ઈસ્લામાબાદઃ કોરોનાવાઈરસ મહાબીમારીને નિયંત્રણમાં રાખવા માટેના ખર્ચ વિશેનો ઓડિટ રિપોર્ટ આપવામાં વિલંબ કરીને વડા પ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સંસ્થા સાથે કરેલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. કોરોના સામેના જંગ માટે કરાયેલા ખર્ચમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ઓડિટરોએ જાણ કર્યા બાદ પાકિસ્તાન સરકારે સ્પેશિયલ ઓડિટ રિપોર્ટ બહાર પાડવાનું મોકૂફ રાખવાનો ઓડિટર જનરલ ઓફ પાકિસ્તાનને આદેશ આપ્યો છે.
પાકિસ્તાન સરકારે આઈએમએફ સંસ્થાને વચન આપ્યું હતું કે કોવિડ-19 સંબંધિત સાધનસામગ્રીઓની કરાયેલી પ્રાપ્તિ અને તેના કરાયેલા ખર્ચનું તે એપ્રિલ મહિનાના અંત સુધીમાં ઓડિટિંગ કરાવશે. આ ઓડિટ રિપોર્ટને આખરી સ્વરૂપ આપવાની ડેડલાઈન આવતીકાલે પૂરી થાય છે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયે આ વિશે સ્પષ્ટતા કરવાની માગણી કરી છે.