ઈસ્લામાબાદ – ગયા અઠવાડિયે પોતાના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા બદલ પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઈમરાન ખાને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ રાજ્યના પ્રધાન નવજોત સિંહ સિધુનો આભાર માન્યો છે.
ઈમરાન ખાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાને વાટાઘાટ દ્વારા એમની વચ્ચેના કશ્મીર સહિતના પ્રશ્નો ઉકેલવા જોઈએ.
ઈમરાને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મારા શપથવિધિ સમારંભમાં હાજર રહેવા પાકિસ્તાન આવવા બદલ હું સિધુનો આભાર માનું છું. તેઓ શાંતિના દૂત છે અને પાકિસ્તાનની જનતાએ એમને માટે ખૂબ પ્રેમ અને લાગણી દર્શાવ્યાં હતાં. ભારતમાં જે લોકો સિધુને ટાર્ગેટ બનાવી રહ્યા છે તેઓ ઉપખંડમાં શાંતિ માટેના પ્રયાસો પ્રતિ બહુ મોટી કુસેવા બજાવી રહ્યા છે. શાંતિ વિના આપણા લોકો પ્રગતિ કરી શકે નહીં.
(વાંચો, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનનાં ટ્વીટ્સ)
httpss://twitter.com/ImranKhanPTI/status/1031832335321317376
મોદી પાકિસ્તાનમાં શરીફને ભેટ્યા હતા ત્યારે કેમ કોઈ બોલ્યું નહોતું? સિધુનો સવાલ
દરમિયાન, નવજોત સિંહ સિધુએ ભારતીય જનતા પાર્ટીના બેવડા વલણની ટીકા કરી છે. એમણે પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે કે, મારી પાકિસ્તાન મુલાકાતની ટીકા કરવામાં આવી રહી છે, પણ સ્વ. અટલબિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે બસમાં બેસીને લાહોર ગયા હતા અને 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પાકિસ્તાનમાં અનિર્ધારિત, ઓચિંતી મુલાકાતે ગયા હતા ત્યારે કેમ કોઈએ સવાલ નહોતો ઉઠાવ્યો?
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનના શપથવિધિ સમારોહ વખતે સિધુ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા એને કારણે ભારતમાં એમની ઘણી ટીકા થઈ છે.
સિધુએ આજે એનો જવાબ આપ્યો છે. એમણે કહ્યું કે, મારી પાકિસ્તાન મુલાકાત કોઈ રાજકીય નહોતી. હું મારા જૂના મિત્ર ઈમરાન ખાનના ઉષ્માભર્યા આમંત્રણને માન આપીને ત્યાં ગયો હતો.
સિધુએ કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયી બસમાં બેસીને લાહોર ગયા હતા અને 2015માં, વડા પ્રધાન મોદી અફઘાનિસ્તાનના સત્તાવાર પ્રવાસેથી સ્વદેશ પાછા ફરતી વખતે ઓચિંતા લાહોરમાં ઉતર્યા હતા. એ મુલાકાત વખતે મોદી પાકિસ્તાનના તે વખતના વડા પ્રધાન નવાઝ શરીફને ભેટ્યા હતા ત્યારે કેમ કોઈએ સવાલ નહોતો કર્યો? વડા પ્રધાન મોદીને કોઈ સવાલ કરતું નથી. મારી પાકિસ્તાન વિઝિટ વાજપેયીને શ્રદ્ધાંજલિ રૂપે હતી, કારણ કે બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય એવું એ જ ઈચ્છતા હતા.