ડ્રેગનનો સામ્રાજ્યવાદ: 5 લાખ નાગરિકો માટે પાકિસ્તાનમાં કોલોની બનાવી રહ્યું છે ચીન

ઈસ્લામાબાદ- ચીન સરકાર પાકિસ્તાનના ગ્વાદરમાં 5 લાખ ચીની નાગરિકોને વસાવવા એક અલગ શહેર બનાવવા જઈ રહી છે. આ વિસ્તાર ચીનની સ્વતંત્ર કોલોની હશે જેમાં ફક્ત ચીનના નાગરિકો જ વસવાટ કરી શકશે. આ જોતાં લાગી રહ્યું છે કે, વસાહતી યુગ પાછો આવી રહ્યો છે. જેમાં ચીન સામ્રાજ્યવાદી દેશ તરીકે તેની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે.આ પહેલા પણ ચીને તેના નાગરિકો માટે મધ્ય એશિયા અને આફ્રિકામાં આ પ્રકારની વસાહત અથવા ઉપનગર બનાવ્યા છે. ચીન પર એવો આરોપ પણ લાગી રહ્યો છે કે, તે રશિયાના પૂર્વ ભાગ અને ઉત્તરી મ્યાંમારમાં જમીન સંપાદન કરી રહ્યું છે. અનેક જગ્યાઓ પર ચાઈનીઝ કોલોનીને લઈને સ્થાનિક નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનના ગ્વાદરમાં અંદાજે 15 કરોડ ડોલરના ખર્ચથી તૈયાર થનારું આ શહેર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો (CPEC) એક ભાગ હશે. મહત્વનું છે કે, દક્ષિણ એશિયામાં ચીન દ્વારા તૈયાર કરવામાં આવનારી આ પ્રકારની આ પ્રથમ કોલોની હશે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ વર્ષ 2022 સુધીમાં તૈયાર કરવામાં આવનારા આ શહેરમાં આશરે 5 લાખ જેટલા ચીની નાગરિકોને વસાવવા માટે મકાન તૈયાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, CPEC અંતર્ગત પાકિસ્તાનના ગ્વાદર પોર્ટમાં ચીન દ્વારા અનેક આર્થિક જિલ્લાઓ બનાવવાની યોજના છે. આ જિલ્લાઓમાં કાર્યરત ચીની કારીગરોને રહેવા માટે ઉપરોક્ત શહેર બનાવવાનું આયોજન છે.