રક્ષા મંત્રાલય સુરક્ષા આપે તો અદાલતમાં રજૂ થવા તૈયાર: મુશર્રફ

ઈસ્લામાબાદ- દેશદ્રોહના મામલામાં ફસાયેલા પાકિસ્તાનના પૂર્વ સૈનિક તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનની વિશેષ અદાલતને જણાવ્યું છે કે, ‘જો રક્ષા મંત્રાલય પુરતી સુરક્ષાની ખાતરી આપે તો તેઓ કોર્ટમાં રજૂ થવા તૈયાર છે’. આ માહિતી પાકિસ્તાનની મીડિયા દ્વારા જણાવવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની સરકારે પૂર્વ આર્મી ચીફ પરવેઝ મુશર્રફ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. નવેમ્બર 2007માં બંધારણા અધિકારોનો દુરુપયોગ કરીને પાકિસ્તાનમાં કટોકટી લાગૂ કરવાના આરોપમાં મુશર્રફ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ લાહોર હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મુહમ્મદ યાવરની અધ્યક્ષતા વાળી બેન્ચે આંતરિક મામલાના મંત્રાલયને આ સંદર્ભમાં સમન્સ જારી કરી 27 ઓગસ્ટ સુધીમાં આ અંગે જવાબ માગ્યો છે. બેન્ચ એ અંગે પણ વિચાર કરશે કે, મુશર્રફની પ્રતિક્રિયા રેકોર્ડ કર્યા વગર તેમની સામે કેસ ચાલુ રાખવો જોઈએ અથવા નહીં.

આપને જણાવી દઈએ કે, 74 વર્ષના પરવેઝ મુશર્રફ હાલમાં દુબઈમાં રહે છે અને તેમણે સુરક્ષા કારણોનું બહાનું જણાવી પાકિસ્તાન પરત ફરવાથી ઈનકાર કર્યો છે.

પાકિસ્તાનની અદાલતમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને સૈનિક તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફનો પક્ષ રજૂ કરનારા એડવોકેટ અખ્તર શાહે જણાવ્યું હતું કે, જો તેમના અસિલને સંરક્ષણ મંત્રાલય દ્વારા સુરક્ષા આપવામાં આવે તો તેઓ અદાલતમાં હાજર રહેશે. મળતી માહિતી મુજબ અદાલતે જણાવ્યું હતું કે, આરોપીઓને સંપૂર્ણ રક્ષણ પૂરું પાડવું એ સરકારની ફરજ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]