ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આ મહિને સામાન્ય ચૂંટણી યોજાશે. જેને લઈને રાજકીય પાર્ટીઓ પોતાનો એજન્ડા પાકિસ્તાનની જનતા સમક્ષ રજૂ કરી રહી છે. પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાને પોતાનું ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં તેણે પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવાનો વાયદો કર્યો છે.વધુમાં ઈમરાન ખાને પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં પાડોશી દેશ ભારત સાથે પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે નીતિ બનાવવાની પણ વાત કરી છે.આ ઉપરાંત ઈમરાન ખાને તેના ઘોષણાપત્રમાં કશ્મીર મુદ્દાનું UNSCના પ્રસ્તાવ અંતર્ગત સમાધાન લાવવાની પણ વાત કરી છે.
ઈમરાન ખાને કહ્યું કે, જો પાકિસ્તાનની આગામી ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીને બહુમત મળશે તો તેમની યોજના આગામી 100 દિવસની અંદર પાકિસ્તાન સામે રહેલા ગંભીર આર્થિક અને પ્રશાસનિક સંકટને દૂર કરવાની રહેશે.
ઈમરાન ખાનના પાર્ટી ઘોષણા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આપણા ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા અને ખાસ તો ભારત સાથે સંઘર્ષ વિરામ કરવા સુરક્ષા અને સહયોગની નીતિ બનાવવાનુ મુખ્ય કાર્ય અમારા એજન્ડામાં છે.