ભારતીય સરહદે પાકે. તહેનાત કર્યા JF-17 ફાઈટર જેટ, SSG કમાંડોએ બનાવ્યો બેઝ

ઈસ્લામાબાદ- ઘણા લાંબા સમય બાદ પાકિસ્તાન ફરી એકવાર ગુજરાતની કચ્છ સરહદે સક્રિય થતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાને સિંધ પ્રાંતના હૈદરાબાદ જિલ્લાના ભોલારી ખાતે એક આધુનિક સૈન્ય હવાઈ ક્ષેત્ર વિકસિત કર્યું છે. આ હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાન ચીન દ્વારા આપવામાં આવેલા JF-17 ફાઈટર જેટ તહેનાત કરી રહ્યું છે.મળતી માહિતી મુજબ આ હવાઈ ક્ષેત્ર પહેલેથી જ બનાવવામાં આવેલું હતું પરંતુ હવે તેને ફાઈટર જેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. પોતાની પૂર્વ સરહદે ભારતીય વાયુ સેનાનો મુકાબલો કરવા પાકિસ્તાન મોટી સંખ્યામાં ચીન દ્વારા નિર્મિત JF-17 વિમાન તહેનાત કરી રહ્યું છે.

મહત્વનું છે કે, પાકિસ્તાનના હૈદરાબાદ બેઝથી થોડે દૂર પાકિસ્તાન મરીનના SSG કમાંડોએ પોતાનો બેઝ તૈયાર કર્યો છે. જ્યાંથી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીઓને સમુદ્રના રસ્તેથી હુમલો કરવાની તાલીમ આપવામાં આવે છે.

પાકિસ્તાન તરફથી આ વિસ્તારને જોતાં ભારતના રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે ગુજરાતના ડીસામાં નવા હવાઈ ક્ષેત્રના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. આ હવાઈ ક્ષેત્રમાંથી પાકિસ્તાન તરફથી આવનારા દરેક ખતરાનો મુકાબલો કરી શકાશે. જોકે આ હવાઈ ક્ષેત્રના નિર્માણમાં ત્રથી ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે.