નવી દિલ્હીઃ કોમ્પ્યુટર અને સોફ્ટવેર ક્ષેત્રે ક્રાંતિ લાવનારા લોકોમાં બિલ ગેટ્સે એક નિર્ણય બદલ્યો હોત તો તેઓ આજે વિશ્વના સૌથી મોટા શ્રીમંત હોત. વિશ્વના બે સૌથી મોટા શ્રીમંતની કુલ સંપત્તિ ભેગી કરતાં પણ માઇક્રોસોફ્ટના બિલની સંપત્તિ સૌથી વધુ હોત, જો તેમણે કંપનીમાંનો પોતાનો હિસ્સો ના વેચ્યો હતો. ઓટોમોબાઇલ કંપની ટેસ્લા અને સ્પેસ ટેક કંપની સ્પેસએક્સના માલિક એલન મસ્ક વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. તેમના પછી ઈ-કોમર્સ કંપની એમેઝોન અને સ્પેસ ટેક્નોલોજી કંપની બ્લુ ઓરિજિનના માલિક જેફ બેઝોસ બીજા ક્રમાંકે છે.
જોકે શ્રીમંતોની યાદીમાં માઇક્રોસોફ્ટ બિલ ગેટ્સ ક્યારેક પહેલા ક્રમાંકે હતા, પણ હવે તેઓ ચોથા ક્રમાંકે આવી ચૂક્યા છે, પણ જો ગેટ્સે એક નિર્ણય ના લીધો હોત તો તેમની કુલ સંપત્તિ બેઝોસ અને મસ્કની કુલ સંપત્તિઓ ભેગી કરતાં પણ વધુ હતી.
બ્લુમબર્ગના ડેટા મુજબ સપ્ટેમ્બર,1998માં ગેટ્સની પાસે માઇક્રોસોફ્ટના 2.06 અબજની બરાબર શેર હતા. એ વખતે કંપની વિશ્વની સૌથી વધુ મૂલ્યવાળી કંપની બની ગઈ હતી. વળી હાલમાં 29 ઓક્ટોબરે માઇક્રોસોફ્ટએ એપલ ઇન્ક.ને પછાડીને ફરીથી માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ ટોચની કંપની બની ગઈ હતી.
ગેટસની પાસે 1998માં જે શેર હતા એનું શુક્રવારે બજારમૂલ્ય 693 અબજ ડોલરની આસપાસ હતું, જે બેઝોસ અને મસ્કની હાલની સંપત્તિઓને ભેગી કરતાં પણ વધુ છે. મસ્કની કુલ સંપત્તિ હાલમાં 340.4 અબજ ડોલર છે. બેઝોસની પાસે 200.3 અબજ ડોલરની સંપત્તિ છે.