હું અમેરિકાનો પ્રમુખ બનીશઃ જૉ બાઇડન

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી-2020માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઇડન જીતની નજીક પહોંચી ગયા છે. અમેરિકામાં પ્રમુખ બનવા માટે ચૂંટણીમાં કુલ 538માંથી 270 ઈલેક્ટોરલ મતો હાંસલ કરવા પડે. છેલ્લા સમાચાર વખતે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 214 મતો સાથે પાછળ હતા જ્યારે બાઇડન 264 મતો સાથે ઘણી મોટી સરસાઈમાં હતા. અમેરિકી પ્રમુખપદ માટે પોતાનો દાવો મજબૂત કરતાં બાઈડને કહ્યું હતું કે હું જ અમેરિકાનો પ્રમુખ બનીશ. ચૂંટણી પરિણામોમાં નખ કરડી ખવાય એટલી ઉત્તેજનાથી મતોની ગણતરી ચાલી રહી છે.

હું અહીં એ જાહેર કરવા નથી આવ્યો કે આપણે જીતી ગયા છીએ, પણ હું અહીં રિપોર્ટ કરવા માટે અહીં આવ્યો છું કે મતગણતરી પૂરી થશે, ત્યારે મને વિશ્વાસ છે કે આપણે વિજેતા થઈશું, એમ બાઈડને ડેલાવેરમાં એમના સમર્થકોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું.

હું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે શાસનની ધુરા સંભાળીશ, એમ કહેતાં બાઇડને કહ્યું હતું કે જ્યારે આપણે જીતી જઈશું ત્યારે કોઈ લાલ કે બ્લુ રાજ્ય નહીં હોય, બસ માત્ર યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા જ હશે.

મતગણતરીની એક લાંબી રાત પછી એ સ્પષ્ટ છે કે આપણે રાષ્ટ્રપ્રમુખપદ જીતવા માટે જરૂરી 270 ચૂંટણી મતો સુધી પહોંચવા માટે પર્યાપ્ત રાજ્ય જીતી રહ્યા છીએ. મતગણતરી પૂરી થવા પર મને વિશ્વાસ છે કે આપણે વિજેતા હઈશું, એમ તેમણે કહ્યું હતું.

ગઈ કાલે ફરી સાબિત થયું હતું કે લોકશાહી આ રાષ્ટ્રનો પ્રાણ છે, જે બે સદીઓથી રહ્યો છે. કોરોના રોગચાળા છતાં અમેરિકાના ઇતિહાસમાં પહેલાંથી અનેક ગણું વધુ અમેરિકનો આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મિશિગન અને વિસ્કોન્સિનને જીતી લીધાં છે. આ બંને રાજ્ય ચાર વર્ષ પહેલાં ટ્રમ્પની પાસે હતાં.

બીજી બાજુ, ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે પેન્સિલવેનિયા, વિસ્કોન્સિન અને મિશગન – એમ બધી જગ્યાએ બાઇડન મતો મેળવી રહ્યા છે, જે દેશ માટે બહુ ખરાબ સમાચાર છે.

 પેરિસ ક્લાયમેટ સોદામાં ફરી જોડાશે

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન બહુમતની નજીક છે. અંતિમ પરિણામ પહેલાં બાઇડને એક મોટી ઘોષણા કરી હતી કે તેઓ જો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે તો તેઓ પેરિસ જળવાયુ સમજૂતીમાં ફરી જોડાશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઠીક 77 દિવસોમાં બાઇડન વહીવટી તંત્ર આ સમજૂતીમાં ફરી જોડાશે.

2015માં ગ્લોબલ વોર્મિંગને સીમિત કરવા માટે અને પ્રિ-ઓદ્યૌગિક સ્તરે 2 ‘C (સેલ્સિયસ)થી નીચે વૈશ્વિક તાપમાનને જાળવી રાખવાના ઉદ્દેશથી પેરિસ જળવાયુ સમજૂતીની રચના કરવામાં આવી હતી.