કાઠમાંડુઃ ‘આદિપુરુષ’ ફિલ્મને કારણે ભડકી ગયેલા નેપાળના પાટનગર શહેર કાઠમાંડુના મેયર બાલેન શાહે કહ્યું છે કે, ‘કોર્ટનો આદેશ હોવા છતાં હું આ શહેરમાં ભારતની ફિલ્મોને બતાવવાની પરવાનગી નહીં આપું.’
ઉલ્લેખનીય છે કે, ભારતીય ફિલ્મોને પ્રદર્શિત કરવાની પરવાનગી આપવાનો હાઈકોર્ટે આજે વચગાળાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ મેયર શાહે તરત જ એને પડકાર્યો હતો. ભારતીય ફિલ્મોને પ્રદર્શિત કરવા દેવા માટે નેપાલ ફિલ્મ યૂનિયને હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી હતી. તેની સુનાવણી વખતે હાઈકોર્ટે કહ્યું કે સેન્સર બોર્ડે પાસ કરી દીધી હોય એવી કોઈ પણ ફિલ્મને દર્શાવવાનું બંધ કરાવવું નહીં. હાઈકોર્ટના આ આદેશ બાદ તરત જ મેયર શાહે એમના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘દેશના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાની વાત હોય ત્યારે હું કોઈ પણ કાયદા કે કોર્ટના ઓર્ડરને માનવાનો નથી.’
મેયર શાહે એવી શરત મૂકી છે કે, જ્યાં સુધી ‘આદિપુરુષ’ ફિલ્મના નિર્માતાઓ ભગવાન રામના પત્ની સીતાનાં જન્મસ્થળ વિશેની ભૂલ સુધારશે નહીં ત્યાં સુધી તેઓ કાઠમાંડુ શહેરના થિયેટરોમાં એક પણ ભારતીય ફિલ્મને પ્રદર્શિત કરવાની પરવાનગી નહીં આપે.
‘આદિપુરુષ’ના નિર્માતાઓએ મેયર શાહને પત્ર લખીને જણાવ્યું છે કે આ ફિલ્મમાં એવો કોઈ ડાયલોગ નથી કે જેનાથી નેપાળી લોકોની લાગણીઓને ઠેસ પહોંચે. પરંતુ, નેપાળના લોકોનું માનવું છે કે સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો જે સ્થળ હવે નેપાળના પ્રદેશમાં છે.