મુઝફ્ફરાબાદઃ ગયા સપ્તાહે ગ્રીસના તટ પર ડૂબેલી એક નૌકામાં આશરે 800 લોકો સવાર હતા, જેમાંથી 500થી વધુ લોકો હજી પણ લાપતા છે. પાકિસ્તાનમાં પોલીસની પ્રારંભિક તપાસમાં આ મામલે 14 સંદિગ્ધોની ધરપકડ કરી છે અને પોલીસ અન્ય શકમંદોની તપાસ કરી રહી છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારે ગઈ કાલે રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો હતો, એમ એક અહેવાલ કહે છે.
પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફની ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકારે હ્યુમન નેટવર્ક આ ઘટનામાં સામેલ હોવાની શક્યતાને પગલે ઉચ્ચ સ્તરીય આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની બધી સત્તાવાર ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ હતો.પોલીસે ધરપકડ કરેલા સંદિગ્ધોમાંથી એક જણે નૌકામાં ત્રણ લોકોને મોકલવાની વાત સ્વીકારી હતી. આ નૌકાની ક્ષમતા 300-350 લોકોની હતી, પરંતુ એમાં 800 લોકો સવાર હતા, પોલીસ અધિકારી રિયાઝ મુગલે જણાવ્યું હતું.
જોકે આ નૌકામાં પ્રત્યક્ષદર્શીઓ 400થી 750 લોકોની સંખ્યા જણાવી હતી અને ગ્રીક અધિકારીઓએ કહ્યું હતું કે 104 જીવિત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 78 મૃતદેહોને કિનારા પર લાવવામાં આવ્યા હતા. આ નૌકામાં સવાર એક જણે કહ્યું હતું કે લિબિયા, પાકિસ્તાન અને ગ્રીસમાં ફેલાયેલા હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કની પાછળ મુખ્ય સંદિગ્ધ લિબિયાનો રહેવાસી છે. આ નૌકામાં મૃતકોમાં કમસે કમ 21 લોકો પાકિસ્તાનના કોટલી જિલ્લાથી આવ્યા હતા, જ્યારે લોકો કેટલાંય વર્ષોથી યુરોપ ચાલી ગયા છે.