હ્યૂસ્ટનઃ આ ભવ્ય સ્ટેડિયમમાં યોજાશે “હાઉડી મોદી”, આ રહ્યા ફોટોગ્રાફ્સ…

હ્યૂસ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે એક સપ્તાહના અમેરિકા પ્રવાસે જવા નીકળશે. રવિવારે રાત્રે વડાપ્રધાન મોદીને ટેક્સાસના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં સંબોધન કરવાનું છે. કાર્યક્રમની તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને હવે એ સ્ટેડિયમની તસવીરો સામે આવી છે કે જ્યાં આ કાર્યક્રમ થવાનો છે.

હ્યૂસ્ટનના NRG સ્ટિડિયમમાં ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં વડાપ્રધાન મોદીને ભારતીય સમુદાયના 50 હજારથી વધારે લોકોને સંબોધન કરવાનું છે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેશે અને વડાપ્રધાન મોદી સાથે મંચ શેર કરશે.

જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, ત્યાં હજારો લોકો માટે બેસવાની વ્યવસ્થા છે. અહીંયા કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે, એક મોટુ સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી વડાપ્રધાન મોદી સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના ભાષણ પહેલા અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પરંતુ અમેરિકાના સાંસદો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

પરંતુ જો હ્યૂસ્ટનના વાતાવરણની વાત કરીએ તો, ત્યાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતી છે. ટેક્સાસના ઘણા શહેરોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. હ્યૂસ્ટનનું એરપોર્ટ અત્યારે બંધ કરી દેવામાં આવી છે, તો મેટ્રો અને બસ સર્વિસ પર પણ આની મોટી અસર પડી છે.

જો કે ખરાબ હવામાનની અસર હાઉડી મોદી કાર્યક્રમના વોલેન્ટિયર્સ પર નથી પડી, તેઓ સતત NRG સ્ટેડિયમમાં કાર્યક્રમમાં સતત તૈયારીઓમાં જોડાયેલા છે. રવિવારના રોજ થનારા કાર્યક્રમ પહેલા 1500 વોલેન્ટિયર્સ કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયા છે.