પીઓકે પર બેમત નહીં, પણ સરકારના વલણ સાથે અસહમત: શશિ થરુર

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યું કે, પાકિસ્તાની કબ્જા હેઠળનું કશ્મીર (પીઓકે) પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી અને પાકિસ્તાને ચીનને એ હિસ્સો આપ્યો છે જે તેમનો નથી. તેમણે કહ્યું કે, પીઓકે પર સરકારના વલણને લઈને કોઈ મતભેદ નથી પરંતુ જે રીતે જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ સરકારે વલણ દાખવ્યું છે, તે સંવિધાનને અનુરૂપ નથી.

 

શશિ થરુરે કહ્યું કે, ગાયના નામ પર થતી મોબ લિચિંગની ઘટનાઓ દેશની છબીને વૈશ્વિક સ્તર પર ખરાબ કરી રહી છે. જ્યારે હું વિદેશમાં જાઉં છું તો ત્યાંના લોકો પૂછે છે કે, ભારતમાં ગાયના નામ પર લોકોના મોત થઈ રહ્યા છે, ગાયના નામ પર મોબ લિંચિગ જેવી ઘટનાઓએ એક એવો માહોલ બનાવી દીધો છે કે, જેના કારણે રોકાણકારો દેશમાં રોકાણ કરવાથી દૂર ભાગી રહ્યા છે. બાલાકોટ પર એરસ્ટ્રાઈક પર સવાલો ઉઠાવતા થરુરે કહ્યું કે, કેટલાક આંતરાષ્ટ્રીય માધ્યમો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક પણ આતંકવાદી હવાઈ હુમલમાં નથી માર્યો ગયો.

શશિ થરુરે વધુમાં કહ્યું કે, કેટલાક આતંરાષ્ટ્રીય માધ્યમોએ બાલાકોટ હુમલાની તસવીરો પ્રકાશિત કરીને પુરાવાઓ આપ્યા છે કે, બાલાકોટ હવાઈ હુમલામાં કોઈ આતંકવાદી નથી માર્યો ગયા. પણ એવા કોઈ પુરાવા આપણી સરકાર પાસે નથી.

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે કહ્યું કે, આંકડાઓ અનુસાર દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે અને મેક્રોઇકોનોમિક્સ માહોલને સંતુલન બનાવવા માટે ચોક્કસ પગલા લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં મંદીનો દોર છે, રોકાણકારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, બેંકોની એનપીએમાં સતત વધારો થઈ રહ્યો છે. નોકરીઓ ઘટી રહી છે અને કારખાનાઓ બંધ થઈ રહ્યા છે.