વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન ટોની બ્લિન્કેને કહ્યું છે કે રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર લશ્કરી આક્રમણની શરૂઆત કરી છે એના વિરોધમાં પોતે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ સાથે આ અઠવાડિયાના અંતભાગમાં નિર્ધારિત બેઠકને રદ કરી દીધી છે. બ્લિન્કેન અને લાવરોવ 24 ફેબ્રુઆરીએ યૂરોપના કોઈક સ્થળે મળવાના હતા.
બ્લિન્કેને ગઈ કાલે પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી હતી. તે વખતે એમની સાથે યૂક્રેનના વિદેશ પ્રધાન દિમીત્રો કુલેબા પણ હાજર હતા. બ્લિન્કેને કહ્યું કે રશિયાએ જે ગુના કર્યા છે એ બદલ સમગ્ર દુનિયાએ તેની તમામ આર્થિક તાકાત વડે રશિયાને સજા કરવી જ પડશે. આપણે રશિયાના અર્થતંત્રને અત્યંત જોરદાર રીતે ફટકો મારવાનો છે.