રશિયા પર પ્રતિબંધ લાદનાર સલાહકાર દલીપ સિંહ વિશે જાણો…

વોશિંગ્ટનઃ રશિયાની સેના પૂર્વ યુક્રેનમાં દાખલ થયા પછી રશિયાની સામે અમેરિકા સહિત પશ્ચિમી દેશો સતત આકરી કાર્યવાહી કરી રહ્યા છે અને અમેરિકાએ રશિયાની સામે કેટલાક આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાએ રશિયા પર લગાવેલા પ્રતિબંધો માટે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને દલીપ સિંહે સલાહ આપી હતી. આ દલીપ સિંહ ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. તેઓ જો બાઇડનના આર્થિક સલાહકાર છે અને રશિયાની સામે અમેરિકા દ્વારા કયા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવે અને કયા પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ એની સલાહ તેમણે આપી હતી.

બીજી બાજુ, રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકનાં ક્ષેત્રોને સ્વતંત્રતા રૂપે માન્યતા આપવાના ફરમાન પર હસ્તાક્ષર કર્યા છે. જે પછી યુક્રેન પર મોસ્કોના આક્રમણની આશંકા વધી ગઈ છે.

દલીપ સિંહને રાષ્ટ્રપતિ જો બાઇડનની નજીકના માનવામાં આવે છે. તેઓ હાલ અમેરિકાના ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર હોવાની સાથે-સાથે અમેરિકાના નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર પણ છે. રશિયાની સામે પ્રતિબંધ લગાવવામાં આવ્યા, ત્યારે તેમને વ્હાઇટ હાઉસ બોલાવવામાં આવ્યા હતા. તેઓ બાઇડન વહીવટી તંત્રમાં રશિયા નીતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

દલીપ સિંહે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે જર્મનીની નોર્ડ-2 પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનમાં રશિયાએ 11 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું અને હવે એ પાણીમાં ગયું છે. આ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ બંધ થયા પછી રશિયા યુરોપને ગેસ માટે પોતાના ઉપર નિર્ભર રાખવા જતું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]