પુતિને યૂક્રેન સાથે યુદ્ધની જાહેરાત કરી

મોસ્કોઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પડોશના યૂક્રેન દેશ પર લશ્કરી ચડાઈ કરવાની આજે જાહેરાત કરી દીધી છે. એમણે દાવો કર્યો છે કે નાગરિકોનું રક્ષણ કરવાના ઈરાદાથી તેમણે આ નિર્ણય લીધો છે. પુતિને ટેલિવિઝન પર પ્રસારિત દેશવ્યાપી સંબોધનમાં જણાવ્યું હતું કે યૂક્રેન તરફથી ધમકીઓ આવ્યા કરતી હતી એટલે એના પ્રતિસાદરૂપે લશ્કરી કાર્યવાહીનું પગલું લેવામાં આવ્યું છે. રશિયાનો ઈરાદો યૂક્રેનને કબજે કરી લેવાનો નથી. રક્તપાતની જવાબદારી યૂક્રેનના શાસનની રહેશે. યૂક્રેનનું બિન-લશ્કરીકરણ કરવા માટે રશિયાએ વિશેષ લશ્કરી કાર્યવાહી હાથ ધરી છે.

પુતિને કહ્યું છે કે યૂક્રેનના જે સૈનિકો એમના શસ્ત્રો હેઠાં મૂકી દેશે એમને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સલામત રીતે બહાર જવા દેવામાં આવશે.

પુતિને આરોપ મૂક્યો છે કે યૂક્રેનને NATOમાં જોડાતું રોકવા માટે રશિયાએ કરેલી માગણીની અમેરિકા અને તેના મિત્ર દેશોએ અવગણના કરી છે.

યૂએન વડાની પુતિનને અંગત અપીલ

ન્યૂયોર્કમાં, સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મહામંત્રી એન્ટોનિઓ ગુટેસે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને અંગત રીતે અપીલ કરી છે કે તેઓ એમના સૈનિકોને યૂક્રેનના પ્રદેશમાં પ્રવેશતા રોકે. ગુટેસે ગઈ કાલે રાતે બોલાવવામાં આવેલી યૂએન સુરક્ષા પરિષદની તાકીદની બેઠકમાં કહ્યું હતું, પ્રેસિડન્ટ પુતિન, તમારા સૈનિકોને યૂક્રેન પર આક્રમણ કરતા અટકાવો. શાંતિની સ્થાપના થાય એ માટે મોકો આપો, ઘણા લોકો માર્યા ગયા છે.