મેગન માર્કલને કારણે અમેરિકામાં વધી રહ્યું છે સોનાનું વેચાણ

વોશિંગ્ટન- કોઈના સ્પર્શ માત્રથી પથ્થરમાંથી સોનું બનવાની વાર્તાઓ તમે સાંભળી હશે. જોકે અમેરિકામાં આવું જ કંઈક હાલમાં થઈ રહ્યું છે. ઈંગ્લેન્ડની નવી રાજકુમારી અને અમેરિકાની પૂર્વ અભિનેત્રી મેગન માર્કલેના સોના પ્રત્યેના આકર્ષણને કારણે અમેરિકામાં સોનાના વેચાણમાં વધારો થયો છે.ઈંગ્લેન્ડના પ્રિન્સ હેરી સાથે લગ્ન કરનારી મેગન માર્કલેએ સગાઈની જે રીંગ પહેરતી હતી તે સોનાની હતી. આ ઘટના બાદથી અમેરિકામાં સોનાનું વેચાણ વધ્યું છે. પ્રિન્સ હેરી અને મેગલ માર્કલેની સગાઈ નવેમ્બર 2017માં થઈ હતી. આ રોયલ કપલ 19 મે 2018ના રોજ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ સાથે સંકળાયેલા આંકડા રજૂ કર્યા છે. વર્ષ 2009 પછી અમેરિકામાં સોનાના ભૂષણોની માગ વર્ષ 2018ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ જોવા મળી છે. જ્વેલર્સનું માનવું છે કે, અમેરિકન અભિનેત્રી મેગન માર્કલેના કારણે સોનાની માગ હજી પણ વધી શકે છે.

ન્યૂયોર્કના એક પ્રસિદ્ધ જ્વેલર્સના માલિકે પણ આ બાબત સાથે પોતાની સહમતિ વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે, પ્રિન્સ હેરી અને મેગન માર્કલેની સગાઈ પછી સોનાના આભૂષણોના વેચાણમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી મુજબ સોનાના દાગીનામાં અત્યાર સુધીમાં આશરે 30 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, મેગન માર્કલેએ તેમના લગ્નમાં પણ સોનાની વીંટી પહેરી હતી. જેનાથી લોકો સોનાના આભૂષણો ખરીદવા પ્રેરિત થયા છે.

છેલ્લાં 15 વર્ષોની વાત કરીએ તો, અમેરિકામાં વ્હાઈટ ગોલ્ડ, ચાંદી અને પ્લેટિનમના ઘરેણાં લોકોની પ્રથમ પસંદગી રહ્યાં છે. વ્હાઈટ ગોલ્ડમાં સોનાની સાથે અન્ય ધાતુનું પણ મિશ્રણ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2016માં કરવામાં આવેલા એક સર્વે મુજબ અમેરિકામાં 22 ટકા મહિલાઓ અખબારો અને મેગેઝીનથી પ્રેરાઈને આભૂષણની ખરીદી કરે છે. જ્યારે 11 ટકા મહિલાઓ સેલિબ્રિટી અને ફેશનને અનુસરે છે.