લેખિકા ગીતાંજલિ શ્રી બન્યાં ઈન્ટરનેશનલ-બુકર-પ્રાઈઝ જીતનાર પ્રથમ-ભારતીય

લંડનઃ હિન્દી લેખિકા અને ઉત્તર પ્રદેશના મૈનપુરી (હાલ નવી દિલ્હી)નાં રહેવાસી ગીતાંજલિ શ્રીને એમની નવલકથા ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ) માટે પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ મળ્યું છે. આ ઈનામ મેળવનાર 64-વર્ષીય ગીતાંજલિ શ્રી પહેલાં જ ભારતીય છે. કોઈ પણ ભારતીય ભાષામાં આ ઈનામ મેળવનાર આ પહેલું જ પુસ્તક છે. આ પુસ્તકની વાર્તા ઉત્તર ભારતમાં સેટ કરવામાં આવી છે અને તેમાં 80-વર્ષનાં એક મહિલાની વાર્તા છે જે તેનાં પતિનાં મૃત્યુ પછી ડીપ્રેશનમાં આવી જાય છે. પરંતુ સંજોગો સામે જંગ ખેલીને જિંદગીને નવો વળાંક આપે છે. આ પુસ્તકનો અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન, સર્બિયન અને કોરિયન ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ) પુસ્તક સામે બીજા 13 પુસ્તકો પણ હરીફાઈમાં હતા. ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ) ગીતાંજલિ શ્રી લિખિત પાંચમું નવલકથા પુસ્તક છે.

ગીતાંજલિ શ્રીને ગઈ કાલે લંડનમાં આયોજિત સમારોહમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઈનામ 50 હજાર બ્રિટિશ પાઉન્ડના સ્વરૂપે અપાય છે. ગીતાંજલિએ આ ઈનામ પુસ્તકનાં અંગ્રેજી અનુવાદક અને અમેરિકામાં રહેતાં ડેઈઝી રોકવેલ સાથે વહેંચી લીધું છે. એવોર્ડ સ્વીકાર કરતી વખતે પોતાનાં સંબોધનમાં ગીતાંજલિ શ્રીએ કહ્યું હતું કે, ‘મેં સપનામાંય વિચાર્યું નહોતું કે મને બુકર પ્રાઈઝ મળશે. મને ખૂબ જ મોટું સમ્માન મળ્યું છે. હું અભિભૂત, પ્રસન્ન અને વિનમ્ર છું.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]