મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સીઓ – સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ જેમને શોધી રહી છે તે હીરાના ભાગેડૂ વેપારી મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુઓ એન્ટીગા અને બાર્બુડામાં લાપતા થયા છે. એન્ટીગામાં એવા અખબારી અહેવાલો હતા કે મેહુલ ચોક્સી છેલ્લે સોમવારે સાંજે એન્ટીગાના દક્ષિણ ભાગમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર લેવા માટે એમના ઘેરથી રવાના થયા હતા. ત્યારપછી એ ફરી ક્યાંય દેખાયા નથી. એમની કાર બાદમાં મોડી સાંજે જોલી હાર્બરમાં મળી આવી હતી, પરંતુ એમનો કોઈ પત્તો નથી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પહેલી જ વાર સમર્થન આપ્યું છે કે ચોક્સી ટાપુરાષ્ટ્ર એન્ડીગા-બાર્બુડામાં લાપતા થયા છે.
એએનઆઈ સમાચાર સંસ્થાને આપેલા એક નિવેદનમાં ચોક્સીના વકીલે જણાવ્યું કે મેહુલ ચોક્સી લાપતા છે. એમના પરિવારજનો ચિંતા કરી રહ્યા છે અને મારી સાથે ચર્ચા કરવા એમણે મને ફોન કર્યો હતો. એન્ટીગા પોલીસ આ વિશે તપાસ કરી રહી છે. પરિવારજનો અજાણ છે એટલે ચોક્સીની સલામતી વિશે ચિંતા કરી રહ્યા છે.