વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા-વેરિઅન્ટ BA.2ના આશરે 35 ટકા નવા કેસ નોંધાતાં ચિંતા પ્રસરી ગઈ છે. દર અઠવાડિયે ટકાવારી વધી રહી છે. બે અઠવાડિયામાં ચેપગ્રસ્તોની સંખ્યા બમણી થઈ ગઈ છે, એમ અમેરિકાની સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન સંસ્થાએ જણાવ્યું છે. કોરોનાની ચોથી લહેર અમેરિકામાં શરૂ થઈ ગઈ છે એમ કહી શકાય.
બ્રિટિશ અખબાર ડેઈલી મેલના એક અહેવાલમાં અમેરિકાના ચેપી-રોગોના નિષ્ણાત અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્ટિયસ ડિસીઝ સંસ્થાના વડા તેમજ અમેરિકી પ્રમુખ બાઈડનના સલાહકાર એન્થની ફોસીને ટાંકીને જણાવ્યું છે કે નવા વેરિઅન્ટના કેસ જો વધવાનું ચાલુ રહેશે તો અમેરિકામાં વધારે કોવિડ-19 લોકડાઉન લાગુ કરવા પડી શકે છે. અમેરિકામાં કોરોના નિયંત્રણો હળવા બનાવી દેવાતાં, રસી લેવાથી મળેલું આરોગ્ય રક્ષણ દૂર થવા લાગતાં દુનિયાભરમાં BA.2 પેટા-વેરિઅન્ટનો ફેલાવો વધ્યો છે. ઓમિક્રોન કરતાં BA.2 પેટા-વેરિઅન્ટ 50-60 ટકા વધારે ચેપી છે. એને કારણે જ અમેરિકામાં ચેપ વધ્યો છે. ઓમિક્રોનના ફેલાવા વખતે અમેરિકાએ એક જ દિવસમાં 10 લાખથી વધારે નવા ચેપનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો.