ખાડી દેશ કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી.આ ઘટનામાં 5 ભારતીય સહિત 40 લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દૂર્ઘટનામાં 5 ભારતીય મૃતક કેરળના રહેવાસી છે. કુવૈત ઓથોરિટીનું કહેવું છે કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આગનું કારણ શોધવામાં આવી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે કુવૈતના દક્ષિણ અહમદી ગવર્નરેટના મંગાફ વિસ્તારમાં સ્થિત છ માળની ઇમારતના રસોડામાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા, જે એક જ કંપનીના કર્મચારી છે.
કુવૈતમાં ભારતીય દૂતાવાસે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે ભારતીય કામદારોને સંડોવતા દુ:ખદ આગ અકસ્માતના સંદર્ભમાં, દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. તમામ સંબંધિતોને અપડેટ માહિતી માટે આ હેલ્પલાઈન સાથે જોડાવા વિનંતી છે. એમ્બેસી તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.”
વિદેશ મંત્રી એસ જયશંકરે શોક વ્યક્ત કર્યો
કુવૈતની કુલ વસ્તીના 21 ટકા (10 લાખ) અને કર્મચારીઓના 30 ટકા (આશરે 9 લાખ) ભારતીયો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અહેવાલ છે કે 40 થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂત સ્થળ પર ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.”
Deeply shocked by the news of the fire incident in Kuwait city. There are reportedly over 40 deaths and over 50 have been hospitalized. Our Ambassador has gone to the camp. We are awaiting further information.
Deepest condolences to the families of those who tragically lost…
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2024
તેમણે કહ્યું, “આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ મદદ કરશે.
કંપની માલિકની ધરપકડ
કુવૈતના આંતરિક પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે પોલીસને ઘટનાસ્થળે ગુનાહિત પુરાવા કર્મચારીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બિલ્ડિંગના માલિક, બિલ્ડિંગના ચોકીદાર અને કામદારો માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવા જણાવ્યું હતું.