ન્યૂયોર્કઃ ભારતની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવતો હોવાની ફરિયાદો થયા બાદ જોરદાર સપાટો બોલાવીને સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે 453 પાકિસ્તાની એકાઉન્ટ્સને પોતાના પ્લેટફોર્મ પરથી સસ્પેન્ડ કર્યા છે.
આ પાકિસ્તાની એકાઉન્ટ્સ પરથી ભારતની વિરુદ્ધમાં પ્રચાર કરાતો હતો અને ખોટા સમાચારો ફેલાવવામાં આવતા હતા.
453 ફેસબુક એકાઉન્ટ્સ ઉપરાંત 103 ફેસબુક પેજીસ, 78 ગ્રુપ્સ અને 107 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને આ જ આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બધું પાકિસ્તાનમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને હજી ગયા મંગળવારે જ પત્ર લખીને જણાવ્યું હતું કે ફેસબુકની સામુદાયિક માર્ગદર્શિકાઓએ ભારતીય નૈતિક મૂલ્યોનો આદર કરવો જ જોઈએ.
પ્રસાદે કહ્યું હતું કે ફેસબુકને અમારી મુખ્ય ફરિયાદ એ છે કે ફેક્ટ-ચેકિંગનું થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકરને આઉટસોર્સ કરવામાં આવી રહ્યું છે. જેની કોઈ વિશ્વસનીયતા ન હોય એવી શંકાસ્પદ સંસ્થાઓને આઉટસોર્સ કરીને ફેસબુક પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. ગેરમાહિતીના ફેલાવામાંથી યૂઝર્સને રક્ષણ આપવાની ફેસબુકની જવાબદારી બને છે.