અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બનશે 47મા રાષ્ટ્રપતિ

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. જેથી ટ્રમ્પ હવે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. જોકે મતગણતરી હજી જારી છે. એ દરમ્યાન અમેરિકી મિડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીતનું એલાન કર્યું છે.

આ ચૂંટણીપ્રચાર દરમ્યાન બંને પ્રતિદ્વંદ્વીઓનું ધ્યાન સાત સ્વિંગ સ્ટેટ્સ પર હતું, જેમાં બધામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતા. એમાંથી બેમાં ટ્રમ્પે જીત પણ હાંસલ કરી લીધી છે.આ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતનો આંકડો 270 છે, કેમ કે અહીં કુલ 538 ઇલેક્ટોરલ કોલેજ છે અને જીત માટે 270 કે એથી વધુની જરૂર હોય છે. ટ્રમ્પે 277 મતો મેળવીને બહુમતનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે કમલા હેરિસ 226 મતો સાથે પાછળ ચાલી રહ્યા છે.

 

એલન મસ્કે એક પોસ્ટ શેર કરી છે. જેમાં એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો તાજેતરનો લાગે છે, જેમાં તેઓ મતગણતરીના દિવસે ડાઇનિંગ ટેબલ પર બેસીને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં સતત પ્રચાર અને પોસ્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં, મસ્કે એક પોસ્ટ કરી હતી જેમાં AI ઈમેજ દ્વારા બતાવવામાં આવ્યું હતું કે તેઓ મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. જોકે સરકારની રચના પછી તેઓ કોઈ મંત્રાલય સંભાળશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.