જ્યારે પોતાના અધિકારીઓ સાથે પીએમ મોદીના અંદાજમાં બોલ્યાં ટ્રમ્પ!

વોશિંગ્ટન- અમેરિકા આગામી દિવસોમાં અફઘાનિસ્તાનમાં આશરે 1000 સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાશનના આ નિર્ણયનું કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માનવામાં આવે છે. અમેરિકાના રક્ષાવિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારતીય પીએમ મોદીએ ટ્રમ્પના વખાણ કર્યાં બાદ તેઓ અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલવા માટે પ્રેરાયા છે. આપને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગત વર્ષે એમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, ‘કોઈપણ દેશે પોતાના વ્યક્તિગત લાભ વગર અન્ય કોઈ દેશમાં એટલું યોગદાન નથી આપ્યું જેટલું અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આપ્યું છે’.

અમેરિકાના રક્ષા અધિકારીઓએ અમેરિકાના અખબારના રિપોર્ટનો હવાલો આપીને જણાવ્યું કે, ભારતીય પીએમ નરેન્દ્ર મોદીના બોલવાના અંદાજથી ટ્રમ્પ ઘણાં પ્રભાવિત થયાં હતાં. એટલું જ નહીં, ટ્રમ્પ જ્યારે મોદી અંગે જણાવી રહ્યાં હતાં ત્યારે તેમનો બોલવાનો અંદાજ અને લહેકો પણ પીએમ મોદી જેવો હતો. ત્યારબાદ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં વધુ સૈનિક મોકલવા અને રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.

જોકે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકો મોકલવાના પ્રસ્તાવ ઉપર અમેરિકાના રક્ષાપ્રધાન જિમ મૈટિસે હજી સુધી હસ્તાક્ષર કર્યાં નથી. પરંતુ અમેરિકાએ જણાવ્યું છે કે, આ સૈનિકોને અફઘાનિસ્તાનના સૈનિકોની સુરક્ષા માટે મોકલવામાં આવશે. જેથી અફઘાન સૈનિકો તાલિબાની આતંકીઓ સામે ટક્કર લઈ શકે અને અફઘાની સુરક્ષાદળની મદદ પણ કરી શકે.

જોકે પીએમ મોદીની વાત છે ત્યાં સુધી ટ્રમ્પ આ પહેલાં પણ ભારતીયોના અંગ્રેજી બોલવાની નકલ કરતાં જોવા મળ્યાં છે. ટ્રમ્પે વર્ષ 2016માં પ્રેસિડેન્ટની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ ભારતીય કોલ સેન્ટરના કર્મચારીઓની અંગ્રેજી બોલવાની નકલ કરી હતી.

ટ્રમ્પ ફક્ત ભારતીયોની જ નહીં, પણ અન્ય ભાષાઓના લોકોની પણ નકલ કરતાં રહ્યાં છે અને આ માટે તેમને સોશિયલ મીડિયા પર લોકોની નિંદાનો સામનો કરવો પડ્યો છે. જોકે ટ્રમ્પને આવી નિંદાઓથી કોઈ જ ફેર નથી પડતો.