સફળતા ઈચ્છતા હોય ટ્રમ્પ, તો મોદીને માને પોતાના ‘રોલ મોડલ’: ફોર્બ્સ

વોશિંગ્ટન- પીએમ મોદી દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપવા સ્વિત્ઝરલેન્ડ ગયા છે. જ્યાં તેઓ WEFમાં ભારતની અર્થવ્યવસ્થા અને ભારતમાં રોકાણના વિકલ્પોને લઈને વિશ્વ સમુદાય સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરશે. કાર્યક્રમની શરુઆત પીએમ મોદીના ભાષણથી થશે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યક્રમના અંતમાં WEFને સંબોધન કરશે.જોકે આ ઘટનાઓ વચ્ચે પીએમ મોદી માટે એક સારા સમાચાર છે. ફોર્બ્સ મેગેઝીનમાં છાપવામાં આવેલા એક લેખમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શિખામણ લેવાની વાત જણાવવામાં આવી છે.

યુનિવર્સિટી ઓફ સિડનીના પ્રોફેસર સાલવેટોર બબોન્સે પોતાના લેખમાં પીએમ મોદીના દિલખોલીને વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે, વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજર રહેલા દરેકની નજર પીએમ મોદી પર હશે. તેમણે વધુમાં લખ્યું કે, અમેરિકા હાલમાં શટડાઉનની તકલીફમાંથી પસાર થી રહ્યું છે એટલે કદાચ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ WEFમાં હાજરી ન આપે તેમ પણ બને. અને જો ટ્રમ્પ હાજર પણ રહે તો લોકો તેની રાહ એટલી હદે નહીં જોવે જેટલી ભારતના પીએમ મોદીની રાહ જોતા હશે.

પોતાના લેખમાં સાલવેટોર બબોન્સે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપતા કહ્યું કે, તેમણે પીએમ મોદીને પોતાના રોલ મોડલ બનાવવા જોઈએ. મોદીએ ભારતના પીએમ બન્યા બાદ જે રીતે ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે તે વખાણવા લાયક છે. તેના લીધે પીએમ મોદી વૈશ્વિક મંચ ઉપર ઉભરી આવ્યા છે. તેમણે લખ્યું કે, મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને કપરી સ્થિતિમાંથી બહાર કાઢી પ્રગતિના પથ પર આગળ વધારી છે. અને ટ્રમ્પની આગેવાનીમાં અમેરિકાને હાલમાં શટડાઉનની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્ષ 2014થી જ મોદી એક વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે. બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ સહિતના મોટા દેશોએ મોદીનું સ્વાગત કર્યું છે. ઉપરાંત તેમણે પીએમ મોદી સાથે તેમના સંબંધો વધુ મજબૂત કરવા પ્રયત્નો કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]