ઋતુપલટો, ત્રાસવાદ છે, દુનિયા સમક્ષના ગંભીર પડકારોઃ પીએમ મોદી WEFમાં સંબોધન

દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ) – અહીં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં આજે સંબોધન કરનાર નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન બન્યા છે. એમણે પોતાના સંબોધનમાં દુનિયાના દેશો સમક્ષ રહેલા ગંભીર પડકારો વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ બે પડકાર છે – ત્રાસવાદ અને ઋતુઓમાં પલટો.

વડા પ્રધાન મોદીએ 48મા શિખર સંમેલનમાં હિન્દીમાં કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે આતંકવાદ કરતાં પણ વધારે ખરાબ છે, ‘સારા ત્રાસવાદ’ અને ‘ખરાબ ત્રાસવાદ’ વચ્ચે બનાવવામાં આવેલો ભેદ.

મોદીએ એમ પણ કહ્યું કે, ત્રાસવાદના દૂષણ અંગે ભારતે દુનિયા સમક્ષ રજૂ કરેલી પોતાની સ્થિતિ ખૂબ જાણીતી છે અને હું એ વિશે વધુ વિગતમાં ઉતરવા માગતો નથી.

આ સંમેલનમાં હાજરી આપવા અને પ્રારંભિક સત્રમાં સંબોધન કરવા માટે દાવોસમાં 24 કલાકની મુલાકાત માટે આવેલા મોદીએ કહ્યું કે શાંતિ, સુરક્ષા અને સ્થિરતાના મુદ્દાઓ સમગ્ર દુનિયા માટે ચિંતાજનક અને ગંભીર પડકારો બની ગયા છે.

મોદીએ કહ્યું કે, 1997માં જ્યારે ભારતના પહેલા વડા પ્રધાન અહીં આવ્યા હતા ત્યારે ભારતનો જીડીપી આંક 400 અબજ ડોલરથી સહેજ વધારે હતો, પરંતુ હાલ એ છ ગણો વધી ગયો છે.

મોદીએ કહ્યું કે, આજે વિશ્વમાં દેશો વચ્ચે અંતર વધી રહ્યું છે ત્યારે ભારતની ‘વસુધૈવ કુટુમ્બકમ’ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) ફિલોસોફી આજના સમયમાં વધારે સુસંગત બની છે.