ઈસ્લામાબાદ- પાકિસ્તાનની એક અદાલતે ગત રોજ લાહોર જિલ્લા પ્રશાશનને નિર્દેશ કર્યો છે કે, તેઓ શાદમાન ચોકનું નામ બદલીને સ્વતંત્રતા સેનાની ભગતસિંહના નામ પર રાખવા સંબંધી નિર્ણય કરે. ઉલ્લેખનીય છે કે, 87 વર્ષ પહેલાં સ્વતંત્રતા સેનાની સરદાર ભગતસિંહને અહીં ફાંસી આપવામાં આવી હતી.ભગતસિંહ અને તેના સાથીઓ સુખદેવ અને રાજગુરુને લાહોરની જેલમાં 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. શાદમાન ચોક એક જગ્યા પર બનાવવામાં આવ્યો છે.
લાહોર હાઈકોર્ટના જજ શાહિદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઈમ્તિયાઝ રાશીદ કુરેશીની અરજી પર સુનાવણી કરવા દરમિયાન લાહોરના નાયબ કમિશનરને આદેશ કર્યો હતો કે, તેઓ કાયદાની મર્યાદામાં રહીને શાદમાન ચોકનું નામ ભગતસિંહના નામ પર રાખવા અંગે નિર્ણય કરે.
અરજદારે તેની દલીલ રજૂ કરતા જણાવ્યું કે, ભગતસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા. તેમણે પોતાના સાથીઓ સાથે મળીને આઝાદી માટે જીવન કુર્બાન કર્યું હતું. વધુમાં અરજીકર્તાએ એમ પણ જણાવ્યું કે, પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી જિન્નાહે પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે, તેમણે ઉપખંડમાં ભગતસિંહ જેવો બહાદુર વ્યક્તિ નથી જોયો. તેથી શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામ પર રાખવું એ ન્યાયના દ્રષ્ટિકોણથી પણ યોગ્ય ગણાશે.