મોરોક્કોમાં ભીષણ ધરતીકંપમાં મરણાંક 2,000ને પાર

રબાતઃ શુક્રવારે મોડી સાંજે મોરોક્કો દેશને હચમચાવી મૂકનાર 6.8ની તીવ્રતાના ભયાનક ધરતીકંપમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 2,000ને પાર ગઈ છે. અત્યાર સુધીમાં 2,012 જણના મરણ થયાનો અને 2,060થી વધુ લોકો ઘાયલ થયાનો અહેવાલ છે. અસંખ્ય લોકો બેઘર થઈ ગયાં છે. સત્તાવાળાઓએ ત્રણ દિવસ માટે દેશમાં શોક ઘોષિત કર્યો છે.

આફ્રિકા ખંડમાં ઉત્તર ભાગમાં આવેલો મોરોક્કો દેશ આરબ અને યૂરોપીયન સંસ્કૃતિનું મિશ્રણ ધરાવે છે. મોરોક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠાએ સશસ્ત્ર દળોને આદેશ આપ્યો છે કે તેઓ વધુ ને વધુ બચાવ ટૂકડીઓને કામે લગાડે અને સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તૈયાર કરે. ધરતીકંપનું કેન્દ્રબિંદુ મારાકેશ શહેરની નજીકમાં હોવાનું માલૂમ પડ્યું છે. આ શહેરમાં ઘણી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જાનહાનિ મોટે ભાગે પહાડી વિસ્તારોમાં થઈ છે. જે દક્ષિણ ભાગમાં આવેલા અલ-હાઉઝ અને તરૌદાંત પ્રાંતોમાં આવ્યા છે. ધરતીકંપ જમીનની સપાટીથી 18.5 કિ.મી. ઊંડે આવ્યો હતો જેને કારણે મકાનો હચમચી ગયા હતા અને ધરાશાયી થયા હતા. દેશના દક્ષિણથી લઈને ઉત્તર ભાગમાં આવેલા પાટનગર રબાત શહેર સુધી ધરતીકંપની અસર વર્તાઈ હતી.