મોરોક્કોમાં ભૂકંપઃ 800થી વધુ લોકોનાં મોત

નવી દિલ્હીઃ મોરોક્કોમાં ગઈ કાલે રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપ પછી 800થી વધુ લોકો માર્યા જવાની પુષ્ટિ થઈ છે. રાજધાની મરાકેશમાં 6.8ની તીવ્રતાના ભૂકંપ આવ્યા પછી રાજધાની સહિત દેશના અનેક શહેરોમાં લોકો રસ્તા પર આવી ગયા હતા. સમાચાર એજન્સી AFP મુજબ મોરોક્કોમાં આંતરિક મંત્રાલયે અત્યાર સુધીમાં 820 લોકોનાં મોત થયાં છે. જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઘાયલ લોકોમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. પ્રારંભિક અહેવાલો મુજબ મોટા ભાગનાં મોતો દેશના દૂરના પહાડી વિસ્તારોમાં થયાં છે, જ્યાં પહોંચવું પણ મુશ્કેલ છે.

મોરોક્કન જિયોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 7.2 હતી. તે શુક્રવારે મોડી રાત્રે આવ્યો હતો. જોકે, યુએસ જિયોલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 6.8 ગણાવી છે. આ વિસ્તારમાં છેલ્લાં 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. મોરોક્કન રાજ્ય ટેલિવિઝનના અહેવાલ મુજબ ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપ સંબંધિત ઘણા વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે, જેમાં લોકો દોડતા જોવા મળી રહ્યા છે.

મારકેશ શહેરથી 70 કિલોમીટર દૂર આવેલા એટલાસ પર્વતની નજીક આવેલા ઈઘિલ નામનું ગામ ધરતીકંપનું કેન્દ્ર હોવાનું કહેવાય છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 18.5 કિલોમીટર નીચે હતી. ભૂકંપના આંચકા છેક પોર્ટુગલ અને અલ્જિરિયા સુધી અનુભવાયા હતા. ભૂકંપના કારણે ઇમારતો કાટમાળ અને ધૂળમાં ફેરવાઈ ગઈ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા ઐતિહાસિક મારકેશમાં જૂના શહેરની આસપાસની પ્રખ્યાત લાલ દીવાલોના ભાગોને પણ નુકસાન થયું હતું.