દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનની ISIનો અતિરિક્ત વડો?

મુંબઈઃ ભારત સરકારે જેને ‘મોસ્ટ વોન્ટેડ ગુનેગાર’ તરીકે ઘોષિત કર્યો છે અને જે મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલનો દીકરો છે, તે દાઉદ ઈબ્રાહિમ કાસકરને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના માનદ્દ એડિશનલ ડાયરેક્ટર-જનરલ તરીકે નિમવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

અખબારી અહેવાલે ગુપ્તચર વિભાગના સૂત્રોના હવાલાથી માહિતી આપી છે કે, દાઉદે આઈએસઆઈ સંસ્થાને છેલ્લા અનેક દાયકાઓથી આપેલી ‘સેવા’ની કદરરૂપે એને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે. દાઉદ હાલ 68 વર્ષનો થયો છે. એ 80ના દાયકાના અંતભાગમાં ભારતમાંથી દુબઈ ભાગી ગયો હતો. ત્યાં આઈએસઆઈ સંસ્થાએ એને આશરો આપ્યો હતો અને દાઉદે જાસૂસી સંસ્થાને 1993ની 12 માર્ચે મુંબઈમાં કરવામાં આવેલા ભયાનક શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના ષડયંત્રને અમલમાં મૂકવામાં મદદ કરી હોવાનું મનાય છે. તે પછી દાઉદ કરાચી શિફ્ટ થયો હતો અને ત્યાં આઈએસઆઈ સંસ્થાએ એને રક્ષણ પૂરું પાડ્યું હતું. ત્યારથી દાઉદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને દુનિયાભરમાં એમને સંલગ્ન જૂથો માટે કામ કરતો આવ્યો છે.

દાઉદને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા અને અમેરિકાની સરકારે ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદી’ તરીકે ઘોષિત કર્યો છે. તે અલ કાયદા, ઓસામા બિન લાદેન અને તાલિબાન સાથે સંકળાયેલો હતો. કેફી દ્રવ્યોની દાણચોરીનું જંગી અને વ્યાપક સામ્રાજ્ય ચલાવવા માટે તે આતંકવાદીઓના નેટવર્કનો ઉપયોગ કરે છે. એમાંથી એને જે કમાણી થાય એનો થોડોક હિસ્સો એ આઈએસઆઈના ગાઢ માર્ગદર્શન હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આર્થિક મદદ કરવા માટે આપે છે.